14 ગેસની બોટલ અને રીફાલિંગનાં સાધનો મળી રૂ.33,400નો મુદ્દામાલ કબજે
રાજકોટ, તા.22 : શહેરની ભાગોળે કોઠારિયા રોડ પર લોઠડા ગામે પોલીસે દરોડો પાડી ગેસ રીફાલિંગનું કૌભાંડ ઝડપી પાડયું હતું. માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની નાના બાટલાઓ ભરી ગ્રાહકોને ઓછા વજનવાળા બાટલાઓ પધરાવતો હતો જ્યારે પોલીસે તેની દુકાનમાંથી 14 ગેસની બોટલો અને રીફાલિંગનાં સાધનો મળી રૂ.33,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસનો સ્ટાફ પેટ્રાલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, લોઠડા ગામે ખોડિયાર ઇલેક્ટ્રિક દુકાનની સામે આવેલ માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક મનીશ શૈલેષ ભાલારા નામનો શખસ પોતાની ગેસ એજન્સીમાં ગેસ રીફીલિંગ કરી રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડી તપાસ કરતાં ખુલ્લી જગ્યામાં ગેસના નાના-મોટા બાટલાઓ તથા ઇલેક્ટ્રિક વજન કાંટો પડેલો હતો અને ગેસ રીફિલિંગ શરૂ હોય જેમા એક ગેસનો બાટલો ઉંધો રાખેલ હોય તેમજ એક નાનો બાટલો ઉભો રાખેલ હોય અને તે બન્ને બાટલા વચ્ચે એક મોટર હોય જે મોટર મારફત ગેસ રીફિલિંગ થતું હોવાનું જોવા મળ્યું હતું.જેથી પોલીસે 14 ગેસના બાટલા અને ગેસ રીફાલિંગનો સમાન કબજે કરી મનિષ શૈલેષ ભાલારાની ધરપકડ કરી હતી જ્યારે પ્રાથમિક પૂછતાછમાં પોતે ગેસના બાટલામાંથી બે કિલો ગેસ ઓછો આપી ગ્રાહકો પાસેથી પૂરા રૂપિયા લઈ ધંધો કરતો હતો. પોલીસે વધુ પૂછતાછ માટે રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરી છે. આ અંગે પીએસઆઇ જે. જી. રાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.