નવી દિલ્હી, તા. 12 : બંગલાદેશ
સરકારે ફરી એક વખત હિન્દુઓ ઉપરના હુમલાને નજરઅંદાજ કરવાની કોશિશ કરી છે. બંગલાદેશી
સરકારે અલ્પસંખ્યકો ઉપર હુમલાને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું
છે કે અલ્પસંખ્યકો ઉપરના હુમલા સાંપ્રદાયિક નહોતા અને આ દાવા માટે એક પોલીસ રિપોર્ટનો
હવાલો આપવામાં આવ્યો હતો.
બંગલાદેશ પોલીસે અલ્પસંખ્યક સમુદાય
સાથે સંપર્ક જાળવી રાખવા માટે એક વોટ્સએપ નંબર પણ જારી કર્યો છે. આ દરમિયાન વચગાળાની
સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની પ્રેસ શાખાએ એક નિવેદન જારી કર્યું છે. જેમાં
કહેવામાં આવ્યું છે કે શેખ હસીના દેશ છોડીને ગયા તેના એક દિવસ પહેલાથી લઈને આઠમી જાન્યુઆરી
સુધી સાંપ્રદાયિક હિંસાની 2010 ઘટના બની છે. જેમાં 1769 હુમલા અને તોડફોડ સામેલ છે.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસ દરમિયાન
મોટાભાગના હુમલા સાંપ્રદાયિક પ્રકૃતિના ન હોવાનું સામે આવ્યું છે.