સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 350થી વધુ કરાર આધારિત કર્મચારીઓની ફોજ : શોષણ થતું હોવાનો કચવાટ
રાજકોટ, તા. 21: સરકારી સંસ્થાઓમાં મંજુર કરાયેલા મહેકમ પર કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે હંગામી ધોરણે કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરવાનું ચલણ વધ્યું છે. મોટાભાગની સંસ્થાઓમાં કરાર આધારિત ભરતી થયેલા હંગામી કર્મચારીઓનું શોષણ થતું હોવાનો કચવાટ ફેલાય છે. કરાર આધારિત ભરતી પધ્ધતિ હંગામી કર્મચારીઓને બેકરાર કરી
રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 350થી વધુ કરાર આધારિત કર્મચારીઓની ફોજ જુદા જુદા વિભાગોમાં કામ કરી રહી છે. ગાંધીનગરની એક સિક્યુરીટી એજન્સી પાસે છેલ્લા દોઢેક વર્ષથી તેનો કોન્ટ્રાક્ટ છે. કરાર આધારિત કર્મચારીઓમાં પટ્ટાવાળાથી માંડી સિનિયર ક્લાર્ક સુધીની જગ્યા ભરવામાં આવે છે. તાજેતરમાં રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કરાર આધારિત કર્મચારીઓને મળેલી સત્તાનો દુરુપયોગ સામે આવ્યા પછી આ મામલે તંત્રએ સજાગ રહેવું જરૂરી બન્યું છે.
બીજી તરફ કરાર આધારિત કર્મચારીઓની પોતાની સમસ્યાઓ પણ ઘણી છે. નામ આપ્યા વગર તેઓ જણાવે છે કે તેમને લઘુતમ પગાર આપવામાં આવતો નથી, પીએફ મામલે પણ અન્યાય થતો હોવાનો સૂર ઉઠયો છે. વધુમાં પીએફ જરૂરીયાત સમયે મળતું નથી તેમજ મેડિકલ લીવ આપવામાં આવતી નથી, મહિલાઓને મેટરનીટી લિવ આપવામાં આવતી નથી તથા પગાર ધોરણ પણ ખુબ ઓછું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સરકારી સંસ્થાઓમાં કાયમી કર્મચારી-અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે કરાર આધારિત કર્મચારીઓની સતત ભરતી થઈ રહી છે.