મેલબોર્ન,
તા.12: વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના પ્રારંભે 17 વર્ષીય રૂસી ખેલાડી
મીરા એન્ડ્રિવા બીજા રાઉન્ડમાં જગ્યા બનાવનારી પહેલી ખેલાડી બની હતી. તેણીએ મેરી બૌજકોવા
વિરુદ્ધ 6-3 અને 6-3થી શાનદાર જીત મેળવી હતી જ્યારે પેરિસ ઓલિમ્પિક ચેમ્પિયન ચીની ખેલાડી
ઝેંગ કિનવેન અને ઓસ્ટ્રેલિયન ઓપનની વર્તમાન વિજેતા આર્યના સબાલેંકા પણ પહેલા રાઉન્ડની
જીત સાથે મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી છે. ઝેંગે 20 વર્ષીય ક્વોલીફાયર એંકા
ટોડોનીને 7-6 અને 6-1થી હાર આપી હતી. સબાલેંકાનો અમેરિકી ખેલાડી સ્લોએન સ્ટિફન્સ વિરુદ્ધ
6-3 અને 6-3થી વિજય થયો હતો. સબાલેંકાની નજર ઓસ્ટ્રેલિયન ઓપનના ખિતાબની હેટ્રિક પર
છે. અગાઉ સ્વિસની માર્ટિના હિંગિસે 1997થી 1999 દરમિયાન સતત ત્રણ વર્ષ ઓસ્ટ્રેલિયન
ઓપન ટાઇટલ જીત્યા હતા. કેનેડાની લૈલા ફર્નાન્ડીઝ પણ બીજા રાઉન્ડમાં પહોંચી છે. મેન્સ
સિંગલ્સના પહેલા રાઉન્ડમાં હારીને ભારતનો સુમિત નાગલ બહાર થયો છે.