એક વર્ષમાં બીજી વખત લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાયો
રાજકોટ, તા.22: શહેરની ભાગોળે આવેલા ખોરાણા ગામે ડિગ્રી વગર ક્લિનિક ખોલી દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપતો બોગસ ડોક્ટર હોવાનું જાણવા મળતા એસઓજીના સ્ટાફે દરોડો પાડી ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો આ શખ્સ એક વર્ષ પૂર્વે પણ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો. છતાં પણ તેણે ફરી વખત બોગસ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના ખોરાણા ગામે રામજી મંદિર પાસે આવેલા એક મકાનમાં ધ્વનિ ક્લિનિક નામે દવાખાનું ખોલી લોકોને દવાઓ અને ઇન્જેક્શન આપતો શખ્સ બોગસ ડોક્ટર હોવાની બાતમી એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપાસિંહ ચૌહાણ, ઉપેન્દ્રાસિંહ ઝાલાને મળતા પીઆઇ જાડેજાની સૂચનાથી પીએસઆઇ માજીરાણા સહિતનો કાફલો ખોરાણા ગામે દોડી ગયો હતો. ત્યાં ધ્વનિ ક્લિનિકમાં દરોડો પાડતા મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી અક્ષરધામ સોસાયટી શેરી નંબર 4 માં રહેતો હિરેન મહેશભાઈ કાનાબાર નામનો શખ્સ ડોક્ટરની બોગસ પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયો હતો.
પોલીસે મોટા પ્રમાણમાં દવાનો જથ્થો, ઇન્જેક્શન ,અમુક મેડિકલના સાધનો અને રોકડા રૂપિયા સહિત 20,510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હિરેન કાનાબારની ધરપકડ કરી હતી વધુ તપાસ દરમિયાન હિરેન કાનાબાર એક વર્ષ પૂર્વે પણ ક્રાઈમ બ્રાન્ચના હાથે બોગસ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયો હતો અને તે સમયે પણ ગુનો દાખલ થયો હતો. તેમાંથી છૂટ્યા બાદ હિરેન કાનાબારે ફરી બોગસ પ્રેક્ટિસ શરૂ કરી હતી. પોતે ધોરણ 12 પાસ હોય પરંતુ ક્લિનિકમાં તેણે કામ કર્યું હોવાથી દવાનો જાણકાર હોય અને આ વ્યવસાયમાં સારી કમાણી થતી હોય જેથી બોગસ ડોક્ટર બની મનુષ્ય જિંદગી સાથે ચેડા કરતો હોવાનું ખુલવા પામ્યું છે.