પટિયાલા, તા. 12 : હરિયાણા-પંજાબની
ખનૌરી સીમા પર 48મા દિવસે પણ જારી કિસાન નેતા જગજિતસિંહ ડલ્લેવાલનાં આમરણ અનશન વચ્ચે
રવિવારે 10 મહિનાથી અનશન કરી રહેલા એક કિસાનનું મોત થઇ ગયું હતું.
ફરીદકોટના 80 વર્ષીય કિસાન જગ્ગાસિંહે
આજે પટિયાલાની રાજિંદર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પાંચ પુત્ર અને એક પુત્રીના
કિસાન પિતાને ખનૌરી સીમા પર શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
અગાઉ, નવમી જાન્યુઆરીનાં શંભુ
સીમા પર એક કિસાને સલ્ફાસ ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેની ઓળખ તરનતારનના 55 વર્ષીય
રેશમસિંહના રૂપમાં થઇ હતી.
રેશમે અંતિમ પગલું ભરતાં પહેલાં
ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મોદી સરકાર અને પંજાબ સરકારને જગાડવા માટે જીવ દેવાની જરૂર
છે, તેવું મને લાગે છે. આમ, કિસાનોના આમરણ અનશન, આત્મહત્યા અને મોતની ઘટનાઓ બનવા માંડતાં
કિસાનોનું આ આંદોલન સરકાર માટે ચિંતા વધારનારું બની રહ્યું છે, તેવી ચર્ચા જામી છે.
બીજી તરફ પંજાબ ભાજપના પ્રધાન
સુનીલ જાખડે એક સમાચાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ખેતપેદાશોના લઘુતમ ટેકાના
ભાવ (એમએસપી)ની કાનૂની ગેરંટી કિસાનો માટે નુકસાનકારક છે.