ગંગા,
યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમે પહેલા દિવસે દોઢ કરોડથી વધારે શ્રદ્ધાળુનું સ્નાન: 20 ક્વિંટલ ફૂલોનો વરસાદ, 4000થી વધારે લોકો વિખૂટા
પડયા
નવી
દિલ્હી, તા. 13 : દુનિયાના સૌથી મોટા સનાતન સમાગમ મહાકુંભનો ભવ્યાતિભવ્ય શુભારંભ સોમવારે
પહેલા સ્નાન પર્વ પૌષ પૂર્ણિમાંથી થયો છે. સંગમની જમીન ઉપર વસેલા અસ્થાયી જિલ્લા મહાકુંભનગરમાં
લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે આગળ વધ્યા હતા. સોમવારે સવારે ત્રણ વાગ્યાથી પવિત્ર ગંગા
નદી, શ્યામલ વર્ણ યમુના અને અદૃશ્ય સરસ્તવી નદીના સંગમે સ્નાન ધ્યાન કરનારા શ્રદ્ધાળુઓની
સંખ્યા સાંજે ચાર વાગ્યા સુધીમાં અપેક્ષાથી વધારે દોઢ કરોડે પહોંચી હતી. 144 વર્ષ બાદ
બનેલા દુર્લભ ખગોળીય સંયોગ વચ્ચે 44 ઘાટ ઉપરદોઢ કરોઢ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાડી હતી.
આ દરમિયાન ભાવિકો ઉપર 20 ક્વિંટલ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મહાકુંભમાં પહેલા
દિવસે 4000થી વધારે લોકો પોતાના પરિવાર અને સાથે આવેલા લોકોથી વિખુટા પડી ગયા હતા.
તેવામાં એનાઉસમેન્ટ મારફતે મોટાભાગના લોકોને પરિવાર સાથે ફરી મેળવવામાં આવ્યા હતા.
આસ્થાના
મહાકુંભમાં સવારથી જ ચારેતરફ હર હર ગંગેના જયકાર ગુંજી રહ્યા હતા. સાધુસંતોની હાજરીમાં
વાતારવણ ભક્તિરસથી ઓતપ્રોત બન્યું હતું. ગરીબ,અમીર, જાતિ ધર્મથી ઉપર આસ્થાનો સમાગમ
દેશની એકતા અને અખંડતાનું પ્રતિક બનીને દુનિયાભરમાં
પોતાની આભા ફેલાવી રહ્યો છે. મહાકુંભ સનાતન ધર્મનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક
પર્વ છે અને તેનું આયોજન દર 12 વર્ષ બાદ કરવામાં આવે છે. ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતી
નદીના સંગમ તટે શ્રદ્ધાળુઓનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. અડધી રાતથી જ શ્રદ્ધાળુઓ
અને કલ્પવાસી સંગમ તટે એકત્રિત થવા લાગ્યા હતા.
ઉત્તર
પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ ઉપર મહાકુંભમાં સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા
કરવામાં આવી છે. ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી દરેક ખૂણે નજર રાખવામાં
આવી રહી છે. ડીઆઈજી અને એસએસપી પોતે પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ભીડને નિયંત્રણમાં
રાખવા માટે વધુ પોલીસ બળ પણ તૈનાત કરવામાં આવ્યું છે.
સોમવારે
પહેલા સ્નાનપર્વ દરમિયાન ઈન્દ્રદેવે પણ પોતાની કૃપા વરસાવી હતી. મહાકુંભમાં પહોંચનારા
લોકોની સુરક્ષા માટે યુપી સરકારે પુરતી વ્યવસ્થા કરી છે. કુંભ અને આસપાસના વિસ્તારમાં
40 હજાર પોલીસ બળ તૈનાત કર્યા છે. આ ઉપરાંત 120 મીટરની ઉંચાઈ સુધીના ડ્રોન તૈનાત છે.
મેળામાં કુલ 2700 કેમેરા તૈનાત છે. જે એઆઈ ટેકનોલોજીની સજ્જ છે. પ્રશાસને શ્રદ્ધાળુઓને
રોકાવા માટે દોઢ લાખ ટેંટ પણ બનાવ્યા છે. જેનાથી એવો માહોલ બન્યો છે કે ટેંટથી એક જિલ્લો
વસી ગયો છે. મેળાની અંદર 23 અસ્થાયી હોસ્પિટલ પણ તૈયાર કરી છે. આ હોસ્પિટલમાં લેબ પણ
છે અને એક્સ રે, સિટી સ્કેન જેવા ટેસ્ટથી લઈને સર્જિકલ સુધીની વ્યવસ્થા કરવામાં આવી
છે.