બાંગ્લાદેશનાં વિદેશ સચિવ અને
ભારતનાં રાજદ્વારી વચ્ચે લાંબી બેઠકમાં તનાવની ચર્ચા
નવી દિલ્હી, તા.13: સીમાએ તંગદિલી
વચ્ચે બાંગ્લાદેશનાં વિદેશ સચિવ જશીમ ઉદ્દીને ભારતીય રાજદ્વારી પ્રણય વર્મા સાથે મુલાકાત
કરી હતી અને આ દરમિયાન બન્ને તરફથી સરહદે તનાવ મુદ્દે ચિંતા પ્રગટ કરવામાં આવી હતી.
બન્ને વચ્ચે આશરે 4પ મિનિટ સુધી
બેઠક ચાલેલી. વાસ્તવમાં બાંગ્લાદેશમાંથી શેખ હસીનાની સત્તામાંથી હકાલપટ્ટી બાદ બન્ને
દેશ વચ્ચે તનાવ વધ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી ઉપર અત્યાચાર અને હુમલા પણ વધ્યા
છે. જેની સામે ભારતે આકરું વલણ અપનાવ્યું છે અને બીજીબાજુ સીમાએથી ઘૂસણખોરી પણ વધવા
લાગી છે. જેને રોકવા માટે સીમા સુરક્ષા દળે (બીએસએફ) કાંગાળી વાડનો ઉપયોગ પણ શરૂ કરવો
પડયો છે. આની સામે બાંગ્લાદેશને વાંધો છે. બાંગ્લાદેશ કહે છે કે, ભારત દ્વિપક્ષીય સમજૂતીનો
ભંગ કરી રહ્યું છે. ભારત સીમાએ પાંચ સ્થાને વાડ બાંધવા પ્રયાસ કરી રહ્યું છે. સીમા
ઉપર ભારતની વાડાબંધી અનધિકૃત હોવાનો દાવો અને આરોપ બાંગ્લાદેશ લગાવે છે. બાંગ્લાદેશનાં
વિદેશ સચિવનાં કહેવા અનુસાર ભારતની આવી ગતિવિધિથી દ્વિપક્ષીય સંબંધોને નુકસાન થશે.
જો કે બીજીબાજુ બાંગ્લાદેશની હિન્દુ અને ભારત વિરોધી ગતિવિધિ મુદ્દે બાંગ્લાદેશ નનૈયો
ભણ્યા કરે છે. ભારતે પણ તેની સામે પોતાની ચિંતા પ્રગટ કરી દીધી છે.