ખડગેની
‘સોનિયા જેવા ત્યાગ’ની સલાહ કર્ણાટકનાં નેતૃત્વ માટે કે રાહુલ ગાંધી માટે?: ભાજપનો
સવાલ
નવીદિલ્હી,તા.23:
દિલ્હીની ચૂંટણી માથે ઝળુંબી રહી છે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકારનાં મુખ્યમંત્રી
સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર વચ્ચે કેપીસીસીનાં અધ્યક્ષ પદની નિયુક્તિ
માટે ચાલતા ગજગ્રાહમાં કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલી
‘સોનિયા ગાંધી જેવા ત્યાગ’ની સલાહે રાજકીય વર્તુળોમાં ચકચાર મચાવી છે. રાજકીય આલમ આને
પક્ષમાં રાષ્ટ્રીયસ્તરે પણ આંતરિક જૂથવાદ અને મતભેદો ઉજાગર કરતું વિધાન ગણાવી રહ્યાં
છે.
ખડગેએ
સિદ્ધારમૈયા અને શિવકુમારને અંગત હિતનો બાજુએ રાખીને સોનિયા ગાંધીની જેમ ત્યાગની ભાવના
જાળવી રાખવાની સલાહ આપી હતી. જો કે લોકસભાની ચૂંટણીમાં આશ્વાસનજનક પરિણામો બાદ રાજ્યોની
વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસનાં કારમા પરાજય પછી પક્ષમાં આમૂલ પરિવર્તનનાં અવાજો ઉઠયા
હતાં. આ દરમિયાન કોંગ્રેસનાં નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનમાં પણ તિરાડો પડી અને લગભગ
તે હવે વિખેરાઈ જ ગયો છે ત્યારે ફરીથી પક્ષમાં નેતૃત્વની ચર્ચાએ જોર પકડયું છે. આ સંજોગોમાં
ખડગેનું વિધાન સૂચક બની જાય છે. એવી ચર્ચાએ જોર પકડયું છે કે, શું આ ઈશારો ગાંધી પરિવાર
કે ખાસ કરીને રાહુલ ગાંધી ભણી હતો કે શું?
ખડગેની
ત્યાગની સલાહ પછી ભાજપે પણ પક્ષ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, ખડગેએ કર્ણાટકની રાજકીય
સ્થિતિને અનુલક્ષીને મોઘમમાં પક્ષની કેન્દ્રીય નેતાગીરીને પણ કંઈક વિશેષ સંકેત આપ્યો
છે. સવાલ છે કે શું રાહુલ ગાંધી કે તેમની નજીકનાં નેતાઓ ખડગેની આ સલાહનો સ્વીકાર કરશે
કે કેમ? દરમિયાન રાહુલ ગાંધીએ નાદુરસ્તીનું કારણ આપીને દિલ્હીની ચૂંટણીસભા પણ રદ કરી
હતી. આ તમામ ઘટનાક્રમો કોંગ્રેસનાં કેન્દ્રીય નેતૃત્વમાં પણ કંઈક અસહજ સ્થિતિનો સંકેત
આપી રહ્યાં હોય તેવું લાગે છે. ભાજપે તો ખડગેનું વિધાન સીધું કેન્દ્રીય નેતાગીરીનાં
અનુસંધાનમાં અપાયું હોવાનું કહીને કોંગ્રેસને સ્થિતિ સ્પષ્ટ કરવાં કહ્યું છે.