• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

નક્સલવાદીઓનો પડકાર

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોના જવાનો પર નક્સલવાદીઓએ ભીષણ હુમલો કરતાં સુરક્ષા દળોના આઠ જવાનો અને વાહનચાલક સહિત નવ શહીદ થયા છે. બે વર્ષમાં આ સૌથી મોટો નક્સલવાદી હુમલો છે. નક્સલવાદીઓએ ‘એન્ટિનકસલ અૉપરેશન’ પાર પાડીને પરત ફરી રહેલા સુરક્ષા દળના જવાનોને ટાર્ગેટ બનાવ્યા હતા. સુરક્ષા દળના જવાનોના બખ્તરબંદ વાહનને આઈડીડીથી વિસ્ફોટ કરી ઉડાવી દીધું હતું.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે નક્સલવાદીઓએ આ વિસ્ફોટ માટે ફોસરોલ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નિકમાં રોડ પર પહેલાં મોટો ખાડો ખોદવામાં આવે છે અને આ ખાડાને પથ્થરોથી ભરી દેવામાં આવે છે. એન્ટિમાઈન અૉપરેશન દરમિયાન આ ખાડાની ખબર નથી પડતી. જ્યારે નકસલવાદીઓ વિસ્ફોટને અંજામ આપવા પહેલાં ખોદેલા ખાડા વિસ્ફોટકથી ભરીને ઉપર પાંદડાંથી ઢાંકી દે છે. સુરક્ષા દળોની ગાડીઓ આ ખાડા પરથી પસાર થાય તો વિસ્ફોટનો શિકાર બને છે. આવી ઘટનાઓ સુરક્ષા વિભાગની નિષ્ફળતાને લઈ બને છે. આ સુરક્ષા દળના જવાનો અબુઝમાડ જેવા ભયજનક વિસ્તારમાં ‘એન્ટિનકસલ અૉપરેશન’ પાર પાડીને પાછા ફરી રહ્યા હતા. સુરક્ષા માપદંડો પ્રમાણે આ જવાનોને બુલેટપ્રૂફ વાહન મળવું જોઈએ, પણ હવે ભૂલ ક્યાં થઈ છે એ તપાસનો વિષય છે. આ જવાનો સામાન્ય રીતે પગપાળા કે બાઈક પર જતા હોય છે. આ કેસમાં સ્ટાન્ડર્ડ પ્રોટોકોલની અવગણના કરવામાં આવી હોય એવી શક્યતા છે.

આ ઘટના પછી પ્રશ્ન થાય છે કે નક્સલવાદીઓને આધુનિક દારૂગોળો અને હથિયાર ક્યાંથી મળી રહ્યાં છે? હાલમાં તેઓએ જે વિસ્ફોટકનો ઉપયોગ કર્યો તે એટલો શક્તિશાળી હતો કે જવાનોના ચિંથરા ઊડી ગયા અને વાહનના ભાગ આસપાસનાં વૃક્ષો પર જઈ ટિંગાઈ ગયા હતા. માની લઈએ કે નક્સલવાદીઓ ખંડણી અને વન સંપદાના વેચાણથી પૈસા મેળવી લેતા હશે, તો પણ પ્રશ્ન રહે જ છે કે દારૂગોળો અને હથિયારો ક્યાંથી મેળવે છે? આ રહસ્ય છે કે તેઓને આ ઘાતક સામાન કોણ પૂરો પાડે છે?

ગૃહ વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં લગભગ છ હજાર સક્રિય નક્સલવાદીઓ છે. લાલ કોરિડોર પણ છે, આમાંથી 85 ટકામાં હવે નક્સલવાદીઓનો પ્રભાવ નામમાત્રનો છે. વર્તમાનમાં ફક્ત 37 જિલ્લાઓ એવા છે જ્યાં નક્સલવાદીનું જોર રહી ગયું છે. છત્તીસગઢ આનું હજી મોટું કેન્દ્ર છે.

સુરક્ષા અૉપરેશનની સાથે તેમનાં હથિયાર-દારૂગોળા સહિત નાણાંની સપ્લાય ચેન કાપી નાખવી જરૂરી છે, સાથોસાથ વાટાઘાટના દ્વાર પણ ખુલ્લાં રાખવાં જોઈએ. અૉક્ટોબર 2024 સુધી 736 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે 800થી વધુ પકડાયા છે. નક્સલવાદનાં વળતાં પાણી હોવાનું કહેવાયું છતાં નક્સલવાદ વારંવાર માથું ઊંચકે છે. નક્સલવાદીઓને જળમૂળથી ઉખેડી નાખવા માટે તેમની વિચારધારાના સ્તર પર પણ લડવું આવશ્યક છે.

ઇ-પેપરના નવા શુલ્ક