આકાશનું
પર્વ ગણાતી મકરસંક્રાંતિને એક દિવસ બાકી છે. આમ તો આ તહેવારને ધરતી સાથે ઓછો અને અવકાશ-
અંતરિક્ષ સાથે વધારે સંબંધ છે. ઉત્તરાયણ તો 21 અને 22મી ડિસેમ્બરે થઈ ગયું. સૂર્યના
ઉગવાની દિશા બદલાઈ ગઈ. મકર રાશીમાં સૂર્ય 14મીએ પ્રવેશ કરશે એટલે સંક્રાંતિની ઉજવણી
કેલેન્ડર અનુસાર 14મી તારીખે થશે. આખાં ગુજરાતમાં આ ઉત્સવનો ઉમંગ અનેરો હોય પરંતુ તેના
ઉત્સાહમાં ઉન્માદ પણ ભળે તો અકસ્માતો સર્જાવાની શક્યતા રહે છે. એવા કિસ્સા બનતા પણ
હોય છે.
છેલ્લા
કેટલાક સમયથી આપણા તહેવારો માટે નિયમો- કાયદાનાં બંધન થોડાં વધારે લદાયાં હોવાની પણ
એક મોટા વર્ગની ફરિયાદ છે. ફટાકડા ફોડવાનો પણ સમય નક્કી અને નવરાત્રિમાં પણ સમય મર્યાદા.
સંક્રાંતિના પર્વની સાથે જીવદયાને સાંકળી લેવાઈ છે. વાત સાવ નગણ્ય પણ નથી. પતંગના દોરા
કોઈ પક્ષીનાં ગળાં કે પાંખમાં અટવાયેલાં જોઈએ ત્યારે કમકમાટી છૂટી જતી હોય છે. પશુ-પ્રાણી,
પક્ષીદયાનું કામ કરતી સંસ્થા, સરકાર લોકોને અનુરોધ પણ કરે છે કે વહેલી સવારે અને સાંજે
એટલે કે જ્યારે આકાશમાં પક્ષી વિહાર કરતાં હોય ત્યારે પતંગો ન ચગાવવામાં આવે તો સારું.
શક્ય
તેટલી સતર્કતા સાથે આ તહેવાર મનાવવામાં આવે તો પક્ષી ઘાયલ થતાં કે મૃત્યુ પામતાં ઓછાં
થઈ શકે. રાજ્ય સરકાર અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ મળીને દસ દિવસ કરુણા અભિયાન પણ ચલાવે
છે, ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વિવિધ સ્થળો પર વ્યવસ્થા છે, તેના ખાસ ટેલિફોન નંબર
છે. પ્રજા તરીકે આપણે ઉત્સવ ઉજવીએ સાથે આવી સંસ્થા કે વ્યવસ્થાને પણ મદદરૂપ થઈએ તે
જરૂરી છે. પતંગ ઊડાડતી વખતે પણ એક સામાજિક ઉત્તરદાયિત્વ રાખીએ કે જેથી કોઈને આકસ્મિક
ઈજા ન થાય. રસ્તા પર દોડીને પતંગ લૂંટવા, એકમાંથી બીજી અગાસીમાં જોખમી રીતે જવાનું
ટાળવું જોઈએ તો આ તહેવાર સારી રીતે ઉજવી શકાય.
મકરસંક્રાંતિના
તહેવાર પૂર્વે અકસ્માત થવાનું માત્ર પક્ષીઓ પૂરતું નથી. સ્કૂટર પર જતાં માણસોનાં ગળામાં
પતંગનો દોરો અટવાય તો ગંભીર દુર્ઘટના બન્યાના અનેક કિસ્સા છે. લોહી ઝરતી હાલતમાં કોઈને
સારવાર માટે દાખલ કરવા પડે કે ક્યારેક ફસાયેલો આ દોર પ્રાણઘાતક પણ નીવડે છે. ચાઇનિઝ
દોરી તરીકે ઓળખાતા પતંગના અત્યંત મજબૂત અને ન તૂટે તેવા દોરા ઉપર તથા વધારે કાચ વાળા
દોરા ઉપર પ્રતિબંધ છે. પોલીસ આવા દોરા વેચનારને કે તેનો ઉપયોગ કરનારને પકડે, કાર્યવાહી
કરે તેના બદલે જો ગ્રાહક તરીકે જ લોકો તેનો બહિષ્કાર કરે તો વેચનાર તે વેચી શકશે નહીં.
તહેવારની ઉજવણી આનંદથી થાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ બધું જરૂરી છે. સાત્ત્વિક
આહાર, ઋતુગત ખોરાક સહિતની બાબતો અહીં સંકળાયેલી છે. તેનો ભરપૂર ઉલ્લાસ રહે અને ઋતુ
પરિવર્તન તરફ ગતિ થાય તે જરૂરી છે.