• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

ભીડ મૅનેજમેન્ટની ઉપેક્ષા

આન્ધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિરમાં ભાગદોડની ઘટનાની ન્યાયિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. તિરુપતિમાં શાસન અને દેખરેખ તંત્રમાં કેટલીક ખામીઓ જણાઈ છે અને મૃતકોના પરિજનોને 25-25 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, આ અગાઉની જગન મોહન રેડ્ડીની સરકારે ટૉકન આપવા માટે નવી પ્રણાલી શરૂ કરી હતી, તેના પહેલાં ટૉકન આપવાની વ્યવસ્થા હતી. તેમાં ફેરફાર થયા પછી આ દુર્ઘટના થઈ છે. ભગવાન વેંકટેશ્વરસ્વામી મંદિરમાં રાત્રે ભાગદોડ મચવાથી છ શ્રદ્ધાળુઓનાં મોત થયાં અને 40 અન્ય ઘાયલ થયા. આ ભાગદોડ મંદિરમાં દર્શનાર્થે પ્રવેશ માટે ટૉકન મેળવવાની કતાર દરમિયાન મચી હતી. આંધ્ર પ્રદેશમાં અગાઉ તિરુપતિ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળ થતી હોવાના અહેવાલ - ફરિયાદની તપાસ ચાલુ છે.

તિરુપતિ મંદિરમાં વૈકુંઠદ્વાર દર્શન ટિકિટ કેન્દ્ર પાસે ધક્કા-મુક્કીની દુર્ઘટનાએ ફરી એકવાર ધર્મસ્થળો અને સામાજિક ધાર્મિક આયોજનોમાં વ્યવસ્થાના અભાવનો પર્દાફાશ કર્યો છે. જીવ ગુમાવનારાના પરિજનોને વળતર અને ઘટનાની તપાસના આદેશ એ જ ઔપચારિકતા છે, જે દરેક દુર્ઘટનામાં જોવા મળે છે. કમનસીબે આવી દુર્ઘટનાઓમાંથી કોઈપણ સબક લેવામાં નથી આવતો.

તિરુમલા તિરુપતિ દેવસ્થાને વૈકુંઠ એકાદશીના અવસરે દસ દિવસ સુધી વિશેષ દર્શનની વ્યવસ્થા કરી હતી. આ દર્શન 10થી 17 જાન્યુઆરી સુધી વૈકુંઠદ્વારથી થાય છે. આ માટે સ્પેશિયલ દર્શન ટૉકન આપવાના હતા. માનવામાં આવે છે કે ટૉકન વિતરણ વ્યવસ્થા ત્યાં ઉમટેલી ભીડની સરખામણીમાં અપૂરતી હતી. ટૉકન ટિકિટ કેન્દ્રો પર 9 જાન્યુઆરી સવારે પાંચ વાગ્યાથી મળવાની હતી, તે પહેલાં ભારે ભીડ એકઠી થઈ હતી. દરેક બને એટલી જલદી ટૉકન ટિકિટો મેળવવા અધીરા બન્યા હતા. અનુરૂપ બંદોબસ્ત નહીં હોવાથી તિરુપતિ મંદિર જેવી દુર્ઘટનાનું મોટું કારણ બને છે.

ટેક્નૉલૉજીના દોરમાં ભીડ મૅનેજમેન્ટ મુશ્કેલ નથી. ધાર્મિક સ્થળ હોય કે ધાર્મિક, સામાજિક આયોજન, તંત્ર માટે ભીડનો અંદાજ બાંધવો મુશ્કેલ નથી. સીસીટીવી કૅમેરા ઉપરાંત સેટેલાઇટથી પણ ભીડનો અંદાજ મેળવી શકાય છે. ક્ષમતાથી અધિક લોકો એકત્ર થાય કે કતારોને વધુ લાંબી થતી અટકાવવી જોઈએ. નંબર આવે એની લાંબી પ્રતીક્ષાથી પણ અનેકવેળા શ્રદ્ધાળુ ધૈર્ય ખોઈ બેસે છે. ભીડ મૅનેજમેન્ટ સાથે લોકો જો ખુદ અનુશાસન પર ધ્યાન આપે તો આવી દુર્ઘટના ટાળી શકાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક