• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

આવકાર્ય અભિયાનના અમલ સામે પડકાર

ગુજરાત રાજ્ય સરકારે બાળકો-િવદ્યાર્થીઓ મોબાઈલની મોહજાળથી દૂર રહે તેવો મનોરથ સેવ્યો છે. જો સાકાર થાય તો આ સપનું છે તો સારું અને નવી પેઢી તથા સમાજના હિતમાં, પરંતુ તેની સફળતા સામે પડકાર અને પ્રશ્ન ઘણા છે. મોબાઈલ ફોન કે એવા આધુનિક કોઈ પણ ઉપકરણનો અતિરેક ફક્ત બાળકો જ કરે છે તેવું નથી સમાજનો દરેક વર્ગ તેના પાશમાં છે. એટલું ખરું કે અમુક વયે તેના ઉપયોગ પછી તેમાંથી શું ગ્રહણ કરવું? તેની વિવેકબુદ્ધિ હોય, બાલ્યાવસ્થામાં તેનું પ્રમાણ ઓછું હોય. જે ગતિથી આ માધ્યમ અને તેના પર જોવા-સાંભળવા મળતી બાબતોનો વ્યાપ વધી રહ્યો છે તે જોતાં નિયંત્રણ મુશ્કેલ છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગંભીરતાથી એવી વિચારણા શરૂ કરી છે કે વિદ્યાર્થીઓ- બાળકોનું મોબાઈલનું વળગણ છૂટે, તેઓ વાંચન તથા શારીરિક શ્રમ કે રમત જેવી ઉત્કર્ષીય પ્રવૃત્તિમાં જોડાય તે માટે આયોજન કરવું. મોબાઈલ ફોનનો ઉપયોગ આ બાળકો કેવી રીતે નિયંત્રિત કરે તે માટે નિષ્ણાતો પાસે મનોમંથન કરાવવામાં આવનાર છે. સરકાર વિદ્યાર્થીઓ માટે ચિંતિત છે તે  સારી વાત છે પરંતુ મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડવાથી સમસ્યા હલ થવાની શક્યતા ઓછી છે, આ ઉપકરણમાં શું જોવું? અને શું ન જોવું? તેની સમજ વ્યાપક પ્રમાણમાં અપાય તે જરૂરી છે.

વિદ્યાર્થી કે સગીર વયની વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે, સોશિયલ સાઈટ્સ ઉપર આખો દિવસ સમય ન વિતાવે તે જવાબદારી તેમની પોતાની ઉપરાંત શિક્ષકોની તથા મૂળ તો માતા-િપતાની છે. અત્યારે આ બન્ને વર્ગ પણ મોબાઈલ મોહથી પર નથી. બાળક પોતાના ઘરે જાય તો પણ માતા-િપતા કે વડીલને મોબાઈલ ફોન ઉપર પ્રવૃત્ત થયેલા જોવે છે. વ્હોટસએપ વગેરે એપ્સ ઉપર કૌટુંબિક વ્યવહારથી લઈને ધંધાકીય વિસ્તાર જોવા મળે છે. મોબાઈલ ફોન, ટેબલેટ કે કોઈ એપ્લિકેશન મનોરંજન જ નહીં માહિતીનો પણ ત્રોત છે. સર્ચ એન્જિન્સ ઉપરથી વિશ્વની જે જોઈએ તે વિગતો મળે છે. સાંપ્રત અને શાશ્વત બધું જ ત્યાં છે.

આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં આ સાધનો જ અભ્યાસ કે અધ્યયનના મુખ્ય નહીં તો અતિ મહત્વના ત્રોત બનવાના છે. વિજ્ઞાનની દરેક શોધની જેમ જ પ્રત્યાયનના આ માધ્યમો, ઉપકરણો કે સાઈટ્સની પણ બે બાજુ છે. તેના પર જે સામગ્રી ઠલવાય છે તેનાથી બાળમાનસને, કિશોરવયના મગજને નુકસાન તો છે જ. વેબસિરિઝ કે વિવિધ રીલ્સને લીધે સમયનો વ્યય અને માનસિક પ્રદૂષણની સંભાવના અનેકગણી વધે છે તે પણ વાસ્તવ છે. આધુનિક સમયનું આ વ્યસન છે. સરકાર વિદ્યાર્થીઓને તેની વિપરિત અસરથી દૂર રાખવાનું વિચારે તે ઘણી સારી બાબત છે. મોબાઈલ ફોન શાળામાં તો લઈ જવાના જ બંધ થશે પરંતુ ઘરે લાડલા-લાડલીને ફોન લઈ દીધા હોય તો તેમાં શું જોવાથી આપણું હિત થાય તે શીખવવાની જવાબદારી માતા-િપતાના શિરે પણ રહેશે.

સરકાર-િશક્ષણ વિભાગ પણ એવા કાર્યક્રમો, એપ્લિકેશન કે યુ ટયૂબ ચેલનનું નિર્માણ કરે અને બાળકો તેના તરફ વળે તેવા અનેક આયોજન થઈ શકે. મુક્ત મને સૂચનો મંગાવવામાં આવશે તો આ પ્રકલ્પ અને મનોરથ સારી રીતે સિદ્ધ થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક