• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

વિદેશ ભાગેલા ગુનેગારોની બેડી બનશે ‘ભારત પોલ’

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે ભારતમાં ગુનો કરીને વિદેશ નાસી જનારા ગુનેગારો કાયદાની પકડમાંથી બહાર છે, પણ હવે સમય આવી ગયો છે કે આવા ગુનેગારોને પકડી લાવવામાં આવશે. સીબીઆઈએ વિકસાવેલા ભારત પોલ પોર્ટલના અનાવરણ સમયે અમિત શાહે જણાવ્યું હતું કે ભારત પોલની શરૂઆતની સાથેના આંતરરાષ્ટ્રીય તપાસમાં ભારત એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. ભારત પોલથી ભારતની દરેક તપાસ એજન્સી અને પોલીસ ખાતું અત્યંત સરળતાથી ઇન્ટરપોલ સાથે સંકળાઈને તપાસને વેગ આપી શકશે.

સીબીઆઈએ ભારત પોલ નામનું એક અત્યાધુનિક પોર્ટલ બનાવ્યું છે. આની મદદથી સીબીઆઈ અન્ય કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સ્તર પર ઇન્ટરપોલ અૉફિસરથી સીધા જોડાઈ શકશે. પોર્ટલ પર જ માહિતીની આપ-લે કરવામાં આવશે. હાલ સીબીઆઈ ઇન્ટરપોલ અૉફિસર અને એસીપી, ડીસીપી સ્તરના યુનિટ અધિકારીઓ સાથે પત્ર, ઈ-મેલ અને ફેક્સ દ્વારા માહિતીની આપ-લે કરે છે.

આ પોર્ટલની મદદથી કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ સરળતાથી ઇન્ટરપોલથી જોડાઈ શકશે અને તપાસમાં વેગ લાવી શકશે. ગુનેગારો વિરુદ્ધ રેડ કૉર્નર સહિત વિવિધ કલરકોડ નોટિસ બહાર પાડવાની પ્રક્રિયા સરળ બનશે. ભારત પોલ તપાસ એજન્સીઓ અને બધાં રાજ્યોની પોલીસને 195 દેશોના ઇન્ટરપોલ નેટવર્કથી સાંકળીને ગુનેગારો પર લગામ તાણવામાં મહત્ત્વની ભૂમિકા બજાવશે. ભારત પોલ પર 19 પ્રકારના ડેટા બેઝ ઉપલબ્ધ રહેશે જે ગુનેગારોનું વિશ્લેષણ કરવા, રોકવા અને ગુનેગારોને પકડવામાં મદદરૂપ બનશે.

સીબીઆઈએ ભારત પોર્ટલ શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય દેશમાં ઇન્ટરપોલ જેવી સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. સીબીઆઈએ આ અત્યંત આધુનિક અૉનલાઈન પ્લૅટફૉર્મ તૈયાર કર્યું છે. આમ આ પોર્ટલ આંતરરાષ્ટ્રીય પોલીસિંગ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ પોર્ટલ ખાસ કરીને ઇન્ટરનેશનલ ગુનાઓની તપાસ ઝડપી બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આના દ્વારા રિયલ ટાઈમ માહિતી મેળવવાનું પણ શક્ય બનશે.

ભારત પોલની મદદથી રાજ્ય પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઇન્ટરપોલ દ્વારા જે મદદ મેળવી શકશે તેને લઈ હવે ભારતમાં ગુના આચરી વિદેશ ભાગી છૂટેલા ગુનેગારોને પકડી દેશમાં લાવવાની કાર્યવાહીને વેગ મળશે એવી આશા રાખવી રહી.

ઇ-પેપરના નવા શુલ્ક