બોટાદ, તા.19 : બોટાદમાં ચાર
વર્ષ પૂર્વે જુગારના ગુનામાં પકડાયેલા બે શખસોને પટ્ટાથી મારકુટ કરી રૂ.પ લાખની માગણી
કરવાના બનાવમાં કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આ બનાવં અંગે કોર્ટે ચાર વર્ષના
અંતે તત્કાલીન ડીવાયએસપી વિરુધ્ધ ગુનો નોંધવાનો આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી
ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, પાળીયાદ
રોડ પર શુભમ કોમ્પલેકસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો
અને જનકસિંહ ગોહીલ અને વિપુલ ખુમાણને ઝડપી લીધા હતા અને ત્યાથી પસાર થતા યશપાલસિંહ
ગોહીલને પણ પોલીસે ઝડપી લઈ પોલીસ મથકે લઈ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતા યોગેશભાઈ
ગોહીલ પોલીસ મથકે પહોંચ્યા હતા.
દરમિયાન પોલીસ મથકમાં તત્કાલીન
ડીવાયએસપી રાજદીપસિંહ નકુમએ પીઆઈ ચેમ્બરમાં પકડાયેલા શખસોને પટાથી મારકુટ કરી હતી અને
રૂ.પ લાખની માગણી કરી હતી અને યોગેશભાઈએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાની વિનંતી
કરતા પોલીસે ઈન્કાર કર્યે હતો. બાદમાં પકડાયેલ શખસોને કોર્ટમાં રજુ કરતા આરોપીઓએ મેડીકલની
માગણી કરતા કોર્ટે હુકમ કર્યો હતો અને સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ મામલે બોટાદ કોર્ટમાં ફરિયાદ
કરવામાં આવી હતી અને ફરિયાદ પક્ષના વકીલની દલીલો અને આધારપુરાવા ધ્યાને રાખી તત્કાલીન
ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ વિરુધ્ધ ગુનો નેંધવા હુકમ કર્યો હતો. કોર્ટના આદેશના પગલે
પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો.