• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

પત્ની, પુત્ર, પુત્રીની ત્રિપલ હત્યાના આરોપી ACF સામે ચાર્જશીટ રજૂ

ભાવનગરના ચકચારી કેસમાં વન વિભાગના અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાઈ

(ફૂલછાબ ન્યુઝ)

ભાવનગર, તા.14 : ભાવનગર વનવિભાગમાં ફરજ બજાવતા  એસીએફ એ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની, પુત્ર અને પુત્રીને મૃત્યુને ઘાટ ઉતારી ફોરેસ્ટ કોલોની પટાંગણમાં ખાડો ખોદી દાટી દીધા હતા ત્યારબાદ પરિવાર ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે કરી હતી પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેવો ઘાટ ઘડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એસીએફના તરકટનો પર્દાફાશ થતા પોલીસે તેને સુરતથી ઉઠાવી લીધો હતો. આ સમગ્ર ચકચારી ઘટનાના 85માં દિવસે એસઆઇટીએ કોર્ટમાં 1500 પાનનું ચાર્જશીટ રજૂ કર્યું છે.

ગત 16 નવેમ્બર 2025ના રોજ ભાવનગરમાં આ  ચકચારી ઘટના બની હતી જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. ભાવનગર વન વિભાગના અધિકારીએ પોતાની પત્ની અને બે બાળક મળી એક સાથે ત્રણ હત્યાને અંજામ આપી ખાડો ખોદી મૃતદેહને દાટી દીધા હતા. ભાવનગરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના નિર્દયી શખસે પ્રથમ ભરતનગર પોલીસ મથકમાં પત્ની નયનાબેન અને પુત્રી પૃથ્થા અને પુત્ર ભવ્ય ભાવનગરથી સુરત જવા માટે નીકળ્યા હતા અને ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી અને વારેવારે પોલીસ મથકે તપાસ કરવા માટે પણ જતો હતો ત્યારબાદ શૈલેષ ખાંભલા કામ હોવાનું બહાનું ધરી સુરત જતો રહ્યો હતો. દરમિયાનમાં શૈલેષ ખાંભલાના પરિવારના સીડીઆરની તપાસ કરવામાં આવતા ઈનપુટ મળ્યું હતું.કે, શૈલેષ ખાંભલા દ્વારા ફોરેસ્ટ કોલોનીમાં ખાડો ખોદવામાં આવેલો અને તે ખાડો બુરવામાં આવ્યો હતો. આ ઇનપુટ આધારે મેજિસ્ટ્રેટ, સરકારી પંચો, વીડિયોગ્રાફર, એફએસએલ અધિકારી અને ડોગ સ્કોર્ડ સાથે જે જગ્યા હતી ત્યાં ખોદકામ કરતાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન, પૃથ્થા અને ભવ્યના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવમાં સરકાર તરફે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પ્રેમિકાને પામવા શૈલેષ ખાંભલાએ ત્રણેની હત્યા કરી ફોરેસ્ટ કોલોની પટાંગણમાં દાટી દીધા હતા. જોકે પોલીસે તુરંત એકશનમાં આવી સુરતથી શૈલેષ ખાંભલાને ઝડપી લીધી હતો. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જ્યારે શૈલેષ ખાંભલા વિરુદ્ધ  એસઆઇટી દ્વારા કોર્ટમાં સજ્જડ પુરાવા સાથે 1500 પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક