ઝાકળ અને માવઠાં જ માત્ર હવે જોખમી પરિબળ
: 20-25 દિવસ મહત્ત્વના
રાજકોટ,
તા.21 : (ફૂલછાબ ન્યૂઝ) એક મહિના કરતા વધારે સમયથી 8થી 14 ડિગ્રી વચ્ચે સરેરાશ તાપમાન
રહ્યું હોવાથી રવી પાકનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે. ઘઉં, ચણા, જીરૂ, ધાણા સહિતના પાક ફ્લાવરીંગની અવસ્થામાં
છે ત્યારે મોસમ સાનુકૂળ રહેવાને લીધે ખેડૂતો ખુશખુશાલ છે. બે દિવસથી ઠંડી ઘટી છે પણ
પાકમાં કોઇ સમસ્યા નથી. ખેડૂતો કહે છે, ઝાકળ અને માવઠાં નુક્સાન કરી શકે પણ હાલ કોઇ
ચિંતાનો વિષય નથી.
ગુજરાતમાં
શિયાળુ વાવેતર દસ બાર દિવસથી પૂરાં થઇ ગયા છે. છતાં શાકભાજી અને ઘાસચારાના વાવેતર ક્યાંક
ક્યાંક ચાલુ છે એટલે પાછલા સપ્તાહમાં 21 હજાર હેક્ટરનો વિસ્તાર વધારો થયો છે. ગુજરાત
સરકારના કૃષિ ખાતાના આંકડાઓ પ્રમાણે રાજ્યભરમાં 48.36 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
જે પાછલા વર્ષમાં 45.91 લાખ હેક્ટર હતુ. સરેરાશ કરતા 4 ટકા વધારે વાવેતર થઇ ગયું છે.
વાવેતરનો વિસ્તાર અને મોસમનો સાથ મળશે એટલે ઉત્પાદનમાં મોટો વધારો થશે.
રાજકોટના
એક અભ્યાસુ ખેડૂત કહે છે, રવિવારના દિવસે સ્હેજ ગરમી વધી અને ઝાકળ કેટલાક વિસ્તારોમાં
થઇ એ કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જોકે મોસમ ઠીકઠાક થઇ જતા અત્યારે પાક માટે
અનુકૂળ પરિસ્થિતિ છે. 70 ટકા જેટલો પાક અત્યારે ફ્લાવરીંગના તબક્કામાં છે. ફૂલ બેસી
જાય એ પછી વાતાવરણના મોટાં ફેરફારો જ પાકને અસર કરશે. તેમણે ઉમેર્યુ કે, ઝાકળ બે ત્રણ
દિવસ રહે તો ચૂસિયા જીવાત અને થ્રીપ્સના રોગની શક્યતા રહેતી હોય છે. હાલ એવી કોઇ પરિસ્થિતિ
નથી.
ચાલુ
વર્ષે ગુજરાતમાં ઘઉં, મકાઇ, ચણા, જીરૂ, ધાણા, લસણ, બટાટા અને ડુંગળીના વાવેતર ખૂબ સારાં
થયા છે. હવામાનનો સાથ મળે તો ઉત્પાદનમાં પણ મોટો વધારો દેખાશે.