• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

મગફળીના મબલક પાકથી દાણાના કારખાના ખોટમાં 90 ટકા કારખાના બંધ થઇ ગયા : માગ સામે પારાવાર પુરવઠો

તમામ વર્ગ નિરાશ

રાજકોટ, તા.4: (ફૂલછાબ ન્યૂઝ) મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાને પગલે કિસાનોની હાલત ભાવ મોરચે કફોડી થઇ ગઇ છે. જોકે સાથે સાથે તેલ મિલ ઉદ્યોગ અને મગફળી સાથે સીધો જ સંકળાયેલો સીંગદાણા ઉદ્યોગ પણ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યો છે. સીંગતેલ ચાર વર્ષમાં સૌથી સસ્તું છે તોય ભાવમાં નવું તળિયું દેખાય રહ્યું છે. સીંગદાણા ઉદ્યોગની હાલત તો સૌથી ખરાબ છે કારણકે આ વર્ષે ઓક્ટોબરમાં સીઝન શરૂ થઇ અને નવેમ્બરના અંતે પૂરી થઇ ગઇ હોય એવો ઘાટ છે. ગુજરાતમાં 90 ટકા જેટલા કારખાનાઓ બંધ થઇ ગયા છે કે બંધ થવા પર છે એમ અગ્રણીઓએ હ્યું હતું.

દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢીયા કહે છે કે, મગફળીનું ઉત્પાદન જ એટલું બધું થયું છે કે માગ પૂરી રીતે ખૂલે તો પણ પુરવઠો સચવાય એમ નથી. આ વર્ષે મોટો પાક છે તો સામે માગ ઓછી પડી રહી છે એટલે ભાવ વધારે પડતા દબાયા છે. તેમના મતે ભારતમાં વર્ષે 60 લાખટન આસપાસ ઉત્પાદન રહેતું હોય છે એના બદલે 90 લાખ ટન સુધીનો પાક આવવાની ધારણા છે. પુરવઠો કોઇ હિસાબે ખાલી થાય એમ નથી. કિસાનો વેંચીને ચાલે તો જ બે પૈસા મળશે. અલબત્ત અત્યારે ભાવ જે સપાટીએ છે એમાં મોટો ઘટાડો નથી પણ મોટાં ઉછાળાની રાહ જોવી વ્યવ્થ છે.

ગુજરાતભરમાં આશરે 1800-2000 જેટલા સીંગદાણા બનાવવાના કારખાનાઓ આવેલા છે. એમાંથી માત્ર 10 ટકામાં જ નિયમિત ઉત્પાદન થાય છે. કારખાનાઓ ઓક્ટોબરમાં ધામધૂમથી શરૂ તો થયા પણ બે જ માસમાં ડચકાં ખાઇને અત્યારે મોટી નુક્સાનીમાં આવી ચૂક્યાં છે. નાના મોટાં તમામ કારખાનાઓ દરેક ઘટતા ભાવે મગફળી કે દાણા ખરીદતા હતા પણ બજાર નવા તળિયા શોધી રહી હોય તેમ રોજ નીચે જતી હતી એટલે નુક્સાની ઘણી પહોળી થઇ ચૂકી છે.

મગફળીના ભાવ મણે રૂ.600-1150 સુધી નીચે આવી ગયા છે. ઐતિહાસિક મંદી થઇ છે. સરકારે રૂ. 1356ના ટેકાના ભાવથી 11 લાખ ટન  જેટલી ખરીદી ગુજરાતમાં કરી લીધી છે. એની બજાર પર કોઇ અસર નથી. ખેડૂતોને હજુ એવી આશા છે કે સરકાર ટેકાના ભાવથી ખરીદ્યા પછી ખોટ ખાઇને તો નહીં જ વેંચે. આ કારણથી તેજી ભવિષ્યમાં આવશે. જોકે મોટાં ભાગના ટ્રેડરો એવું માને છે કે સરકાર બજાર કરતા ઉંચા ભાવે વેચશે તો મગફળી ખપવી મુશ્કેલ બનશે. રાખી મૂકશે તો આગળ જતા પુરવઠો નડશે.

સીંગદાણાની નિકાસ પણ ચાલુ સાલ ઓછી થઇ છે. વિદેશમાં પણ દરેક ઘટતા ભાવથી આયાતકારો માલ લેતા હતા એટલે માલબોજ થઇ ગયો છે. નાણાભીડ સખત છે. જોકે હવે મગફળી કે દાણાના ભાવમાં સુધારો થાય કે કેમ તે અંગે અગ્રણીઓએ ક્હયું કે, બજાર તળિયે જ છે એટલે હળવો સુધારો થાય એવી શક્યતા વધારે છે. જોકે એમ થાય તો જ નુક્સાનીમાં થોડી રાહત થાય એમ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક