• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ગુંદાસરમાં સરસ્વતી મૂર્તિના વિસર્જન સમયે ડૂબી જતાં બે યુવાનના મૃત્યુ

            ચેકડેમમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ઘટેલી કરુણાન્તિકા

ગોંડલ, તા.4: ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન સમયે ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. જેથી ખુશીનો માહોલ માતમમાં પલટાયો હતો.

ગુંદાસરામાં પરપ્રાંતિય શ્રમિકો દ્વારા વસંતપંચમીના રોજ સુપ્રીમ કાસ્ટ નામની ફેક્ટરીમાં સરસ્વતી માતાની મૂર્તિનું સ્થાપન કરાયા બાદ આજે સાંજે વિસર્જન કરવાનું હતું. જેથી બારથી પંદર લોકો વાજતે ગાજતે મૂર્તિ લઈ ગામ નજીકના ચેકડેમમાં મૂર્તિ પધરાવવા પહોંચ્યા હતા. બધા ડેમના પાણીમાં ઉતરી મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા. તે દરમિયાન અમનકુમાર ગૌતમ રાય (ઉં.23, રહે.સીમરિયા, જિ.જાગલપુર બિહાર) તથા કુમાર ગૌરવ સુભાષ માલાહર (ઉં.20, રહે.દરિયાપુર, જિ.જાગલપુર) ઉંડા પાણીમાં આગળ જતા ડૂબવા લાગ્યા હતા. બન્નેનો બચાવ થાય તે પહેલા ઉંડા પાણીમાં ગરક થઈ જતા બન્નેના મૃત્યુ નીપજ્યા હતા. પળભરમાં બનેલી ઘટનાની વિસર્જન માટે આવેલા લોકો અવાચક થઈ ગયા હતા.

બનાવની જાણ થતા ફેક્ટરીના માલિક અને ગામલોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગોંડલ ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. બાદમાં ગુંદાસરા પહોંચેલ ફાયર ટીમે ચેકડેમમાંથી બન્ને યુવાનના મૃતદેહ બહાર કાઢી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસડયા હતા. મૃતક યુવાનો પૈકી અમન કુમાર અપરિણીત હતો જ્યારે કુમાર ગૌરવ પરિણીત હતો. સંતાનમાં છ માસનો દીકરો હોવાનું જાણવા મળેલું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક