(ફૂલછાબ
ન્યૂઝ)રાજકોટ, તા.4: ભારત અને દક્ષિણ આફ્રિકા દેશ વચ્ચે છેલ્લી દોઢ સદીથી વધુ જૂના
સાંસ્કૃતિક, વ્યાપારિક અને આર્થિક સબંધો રહેલા છે ત્યારે સબંધોમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ
ઉમેરતા રવિવારે વસંતપંચમીએ બી.એ.પી.એસ. સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજના હસ્તે દક્ષિણ
આફ્રિકા દેશની આર્થિક રાજધાની જૉહનિસબર્ગમાં સાડા ચૌદ એકરની વિશાળ ભૂમિ પર બીએપીએસ
હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલના પ્રથમ ચરણમાં સ્વામિનારાયણ હવેલીનું ઉદ્ઘાટન અને
13 દિવસિય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ નિમિત્તે બી.એ.પી.એસ. દ્વારા
યોજાયેલ 1ર દિવસીય મંદિર મહોત્સવ આશા અને એકતાનું પ્રતિક બની રહેશે. ઉદ્ઘાટિત થયેલ
સ્વામિનારાયણ હવેલી ભારતીય વાસ્તુકલા, કાષ્ઠકળાનો
સુંદર નમૂનો છે. આ હવેલીમાં આવેલ ભવ્ય સભામંડપો ભારતીય સાહિત્ય, કળા અને અધ્યાત્મને
પોષણ આપશે. પરિસરમાં દર્શનાર્થીઓ શાયોના ઉપાહાર ગૃહમાં ભારતના વિવિધ પ્રાંત સહિત અન્ય
સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા છે. નવી પેઢી અધ્યાત્મ
સાથે આનંદ પણ પ્રાપ્ત કરે તે માટે સુંદર લાઈબ્રેરી ઈન ડોર જીમની વ્યવસ્થા છે. પોણા
નવ એકરથી વધુ બાંધકામ (બિલ્ટ અપ સ્પેસ) તેની ભવ્યતા છે. પરિસરમાં 100થી વધુ વૃક્ષોનું
વાવેતર કરાયું છે અને 10 લાખથી વધુ લોકોને ભોજન (મિલિયન મિલ્સ) સહાયની પ્રતિબદ્ધતા
દર્શાવવામાં આવી છે.
આ પ્રસંગે
આફ્રિકા દેશના ડેપ્યુટી પ્રેસિડેન્ટ પૌલ માશાટીલે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી
અને 9ર વર્ષની જૈફ વયે દક્ષિણ આફ્રિકા પધારી સુંદર સાંસ્કૃતિક સંકુલની ભેટ આપવા બદલ
સમગ્ર દેશવતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ બહુસાંસ્કૃતિકવાદ, આંતરધર્મ સમરસતામાં
મંદિરના યોગદાનની પ્રશંસા કરી તેમણે દેશની સાંસ્કૃતિક વિવિધતાને મજબૂત કરવામાં અને
બન્ને દેશો વચ્ચે સમજણ વધારવામાં મંદિરની ભૂમિકાની પ્રશંસા કરી હતી. જૉહનિસબર્ગના હૃદય
સમા સેંટન વિસ્તારમાં નીકળેલી ર9 અલગ અલગ ફ્લોટ ધરાવતી, દોઢ કિલોમીટર લાંબી, ર000થી
વધુ ભક્તો-ભાવિકોને ઉભરાતી શોભાયાત્રા સ્થાનિક, આફ્રિકન ભાઈઓ ઉપરાંત સૌના આકર્ષણનું
કેન્દ્ર બની હતી.