રાજકોટ, તા.3: (ફૂલછાબ ન્યૂઝ)
મગફળીની ટેકાના ભાવથી થતી ખરીદી ગુજરાતમાં 11 લાખ ટનનો આંકડો પાર કરી ગઇ છે. રેકોર્ડબ્રેક
મગફળી ખરીદવામાં આવી છે છતાં બજારમાં એકધારી મંદીથી કિસાનોની હાલત કફોડી થઇ ગઇ છે.
ટેકાના ભાવથી કિસાનો ઘણો જથ્થો સરકારમાં ઠાલવી શક્યા છે છતાં હજુ બજારને પગ નથી. ભાવ
તૂટતા તૂટતા રૂ. 1150 સુધી આવી ગયા છે. જોકે નબળી અને મધ્યમ મગફળી તો રૂ. 600-1100માં
માંડ માંડ ખપે છે.
ગુજકોમાસોલ પાસેથી પ્રાપ્ત આંકડાઓ
પ્રમાણે ગુજરાતમાં 7.77 લાખ ટનની ખરીદી પૂર્ણ થઇ છે. એક ખાનગી એક્સચેંજ દ્વારા ત્રણેક
લાખ ટનની ખરીદી કરવામાં આવી છે. આમ, આશરે 11 લાખ ટનની ખરીદી પૂર્ણ થઇ છે. સરકારે ગયા
સપ્તાહમાં એવું જણાવ્યું હતુ કે, 8 ફેબ્રુઆરીથી ખરીદી મોટેભાગે બંધ કરી દેવામાં આવશે.
નોંધાયેલા ખેડૂતો કે જે વેચવામાં બાકી રહી ગયા હોય તેમનો માલ લેવામાં આવશે. આમ હવે
સરકારનો ટેકો ખેડૂતોને મળવાનું બંધ થઇ જવાનું છે.
બીજી તરફ માર્કેટ યાર્ડમા મગફળીની
આવક સાવ તળિયે જતી રહી છે. યાર્ડમાં 60-70 હજાર ગુણી જ આવે છે છતાં એની ખપત મુશ્કેલ
બને છે. ખેડૂતો માલ લાવીને થાકી ગયા છે. વેપારીઓ, મિલો અને દાણાના કારખાનાઓ માલ ખરીદીને
થાકી ગયા છે.
મગફળીની મબલક ઉપજ અને સરળતાથી
ઉપલબ્ધ પુરવઠાને લીધે સીંગતેલ લૂઝનો ભાવ રૂ.1325ના ત્રણ વર્ષના તળિયે જતો રહ્યો છે.
સીંગતેલનો 15 કિલોનો ડબો રૂ. 2400ની અંદર મળવા લાગ્યો છે. બારમાસી ખરીદીમાં એકસાથે
આઠ દસ ડબા ખરીદનારાને અત્યારે અગાઉ કરતા રૂ. 100-100 જેટલા સસ્તાં ભાવમાં તેલ મળી રહ્યું
છે. તેલ મિલો ઉત્પાદન કરીને થાકેલી છે કારણકે પુરવઠાનો બોજ મિલોમાં પડયો છે. ઘાણીવાળા
પણ થાક્યાં છે.