• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

આજથી 3 દિવસ ગરમીમાં રાહત, 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

વડોદરા ઝૂમાં પક્ષીઓને પાણી છાંટી ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ

રાજકોટ, અમદાવાદ, તા.25: માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થયું હતું, જોકે છેલ્લા અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આજે રાજ્યનાં 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 41.5 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ થતાં લોકો ભારે અકળાયા હતા અને રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આવતીકાલથી ત્રણ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે, ત્યાર બાદ તાપમાન ફરી વધશે.

હવામાનની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે ત્યાર બાદના ત્રણ દિવસમાં મહતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે. ગુજરાતના તટીય જિલ્લાઓમાં ડિસકમ્ફર્ટની સ્થિતિ જોવા મળશે તેમજ પવનની દિશા પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ તરફ રહેશે.

વડોદરા: શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે શેરડીનો રસ, છાસ સહિત ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે. વાતાનુકૂલિત સાધનો પણ ચોવીસ કલાક ચાલુ થઇ ગયા છે સાથે સ્થિતિમાં પક્ષીઓ પણ આકુળવ્યાકુળ થઇ ગયા છે ત્યારે સયાજીબાગ ખાતે પક્ષીઘરમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ પ્રકારની ઘાસ પણ પક્ષીઓના ઘરોમાં રાખવામાં આવી છે. જેના કારણે દિવસ દરમિયાન પાણીનો છંટકાવ કરવાથી પક્ષી ઘરમાં ઠંડક રહે અને પક્ષીઓ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે.  ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, ગરમીની શરૂઆત થઇ ગઇ છે પરંતુ, હાલ બેવડી ઋતુ ચાલી રહી છે. હાલમાં પક્ષીઓ ઉપર પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધનારી ગરમીને ધ્યાનમાં લઇ પ્રતિવર્ષ મુજબ બરફની વ્યવસ્થા કરવામાં આવશે. અલબત્ત આ વખતે ગરમીનો પ્રકોપ જોઇ પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થાનું વિચારાઈ રહ્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક