• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ગાંધીનગરમાં પોક્સોના આરોપીને 20 વર્ષની સજા સંભળાવતા જ કોર્ટમાંથી ફરાર સગીરા સાથે દુષ્કર્મ આચરવા અંગે ઈન્ફોસીટી પોલીસમાં ગુનો નોંધાયો હતો

અમદાવાદ, તા. 13: ગાંધીનગર કોર્ટમાં જજે પોક્સોના આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટમાંથી નાસી છુટયો હતો. આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર સ્પેશ્યલ કોર્ટમાં આ ઘટના બની હતી. જેમાં મૂળ દાહોદનો આરોપી ભાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ આરોપી મૂળ ધોળાકુઆ ખાતે મજૂરી કરતો. લાલાભાઈ રામાસિંહ ડાંગી નામના આરોપીએ કામના સ્થળે સગીરા સાથે અડપલાં કર્યા હતા. ગાંધીનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજે 1.30 વાગ્યે તેને જજ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા સાંભળીને જ તે કોર્ટનો કઠગરો કૂદીને ભાગી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટયો હતો.

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને રૂ. 30,000 ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં આરોપીએ ભોગ બનનારી સગીરા જેની બનાવ સમયે ઉંમર માત્ર 15 વર્ષ અને 1 મહિનાની હતી. તે સગીર હોવાની જાણ હોવા છતાં આરોપીએ તેની મરજી વિરુધ્ધ બળજબરીથી વારંવાર સંબંધ બાંધીને દુષ્કર્મ કર્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે અને જેથી આવા ગુનાના આરોપીને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે સરકાર તરફે આરોપીને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ ફટકાર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક