આજથી બિહારના રાજગીરમાં શરૂ થનાર એશિયા કપમાં ભારતીય હોકી ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર : આજે ચીન વિરુદ્ધ પહેલી ટક્કર
રાજગીર
(બિહાર), તા.28: ત્રણ વખતની ચેમ્પિયન ભારતીય ટીમ પાછલા કેટલાક સમયથી ચાલ્યું આવતું
ખરાબ ફોર્મ ભૂલીને એશિયા કપ હોકી ટૂર્નામેન્ટ જીતીને આવતા વર્ષે રમાનાર વર્લ્ડ કપની
ટિકિટ બૂક કરવા માંગશે. શુક્રવારે ભારતીય હોકી ટીમનો પહેલો મેચ ચીન વિરૂધ્ધ છે. પૂલ
એમાં ભારત સાથે ચીન, કઝાકિસ્તાન અને જાપાન છે. જ્યારે પૂલ બીમાં પાંચ વખતની વિજેતા
દ. કોરિયા, મલેશિયા, બાંગલાદેશ અને ચીની તાઇપેની ટીમ છે. ભારતે છેલ્લે 2017માં ઢાકામાં
એશિયા કપ જીત્યો હતો.
કઝાકિસ્તાન
ત્રણ દશક બાદ એશિયા કપ રમશે. તેણે ઓમાનની જગ્યા લીધી છે જ્યારે બાંગલાદેશ ટીમ પાકિસ્તાનના
સ્થાને સામેલ થયું છે. બન્ને પૂલની ટોચ પર રહેનારી બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. ફાઇનલ
મુકાબલો 7 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય હોકી ટીમ પાસે આવતા વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં
કવોલીફાય થવાનો સર્વશ્રેષ્ઠ અને આખરી મોકો છે. ભારતે પહેલો મોકો ગુમાવ્યો હતો અને યૂરોપીય
ચરણમાં એફઆઇએચ પ્રો લીગમાં સાતમા સ્થાને ખસી ગયું હતું. ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા
ભારતીય ટીમને એશિયા કપમાં ટોચનો ક્રમ મળ્યો છે અને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં
આવે છે. હરમનપ્રિત સિંઘની ટીમ શાનદાર દેખાવ કરીને ટીકાકારોને ચૂપ કરવા માગશે. ભારતની
સૌથી મોટી ચિંતા પેનલ્ટી કોર્નર છે.
ભારતીય
ટીમે શુક્રવારે ચીનનો સામનો કરવાનો છે. તે 23મા ક્રમની ટીમ છે. આમ છતાં તેને હળવાશમાં
લેવાની ભૂલ ભારતીય ટીમ કરશે નહીં. પહેલા દિવસના અન્ય મેચમાં મલેશિયાની ટકકર બાંગલાદેશ
સામે અને ચીની તાઇપેની ટકકર દ. કોરિયા વિરુદ્ધ થશે.