• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

રશિયા વધુ આક્રમક : યુક્રેનમાં બોમ્બનો વરસાદ

બીજા સૌથી મોટા હવાઈ હુમલામાં 14ના મૃત્યુ, યુરોપીય સંઘની ઈમારત ક્ષતિગ્રસ્ત : રશિયાએ એક જ રાતમાં 598 ડ્રોન અને 31 મિસાઈલ છોડી

નવી દિલ્હી, તા. 28 : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચારેક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને બન્ને દેશ પીછેહટ કરવા માટે તૈયાર નથી. ટ્રમ્પ દ્વારા સતત યુદ્ધ વિરામના પ્રયાસો થઈ રહ્યા છે પણ તેમાં કોઈપણ પ્રકારની સફળતા મળી રહી નથી. આ દરમિયાન યુદ્ધ વધારે આક્રમક બની રહ્યું છે. હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સ્થિત યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળ ભવન ઉપર હુમલો કર્યો છે. આ હુમલામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 48ને ઈજા પહોંચી છે. યુક્રેની વાયુસેનાએ કહ્યું હતું કે રશિયાએ એક જ રાતમાં 598 ડ્રોન અને 31 મિસાઈલ લોન્ચ કરી હતી. જે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં બીજો સૌથી મોટો હવાઈ હુમલો છે.

યુક્રેની વિદેશ મંત્રી આંદ્રેઈ સિબિહાએ એકસ ઉપર એક પોસ્ટમાં કહ્યું હતું કે  રશિયાના હુમલામાં યુરોપીયન સંઘના મિશનની એક ઈમારતને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કહ્યું હતું કે કીવ ઉપર રશિયાના હુમલામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં ત્રણ બાળકો સામેલ છે. રશિયાના આ હુમલાની માત્ર યુરોપીય સંઘ તરફથી જ નહી પણ વિશ્વવ્યાપી નિંદાની જરૂરિયાત છે. યુક્રેનમાં યુરોપીય સંઘના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ પણ હુમલાની પુષ્ટી કરી હતી. ક્ષતિગ્રસ્ત ઈમારતની તસવીર સાથે કોસ્ટાએ લખ્યું હતું કે યુક્રેન ઉપર ઘાતક રશિયન મિસાઈલ હુમલાની વધુ એક રાતથી પોતે ભયભીત છે.

ઝેલેંસ્કીએ કહ્યું હતું કે અત્યારસુધીમાં રશિયાના હુમલામાં 14 લોકોએ જીવ ગુમાવ્યાની જાણકારી છે. જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. નાગરિકોની ભયાનક અને જાણીજોઈને હત્યા કરવામાં આવી છે. રશિયા યુદ્ધ સમાપ્ત કરવાનો વિકલ્પ પસંદ કરી રહ્યું નથી અને નવા હુમલા કરી રહ્યું છે. કીવમાં રાતોરાત ડઝનેક ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે.

 રહેણાંક વિસ્તાર અને ઓફિસ સેન્ટર્સને નુકસાન પહોંચ્યું છે. હવે જરૂરી છે કે દુનિયા મજબૂતીથી પ્રતિક્રિયા આપે. યુદ્ધ વિરામને નકારીને વાતચીતમાંથી બહાર નીકળવાની રશિયાની કોશિશો માટે નવા આકરા પ્રતિબંધોની જરૂરિયાત છે. રશિયા માત્ર દબાણ અને તાકાતને જ સમજે છે.  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે યુક્રેન ઉપર એક જ રાતમાં 629 મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા છે. આતંક અને બર્બરતા રશિયન શાંતિની અવધારણા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક