ભાજપ પ્રમુખની પસંદગી સંઘે કરવાની હોય તો આટલો સમય ન લાગે : સંઘ વડાએ કહ્યું, સરકાર કે ભાજપ સાથે કોઈ જ મતભેદ નથી
નવી
દિલ્હી, તા.28: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં શતાબ્દી વર્ષનાં અવસરે આયોજિત ત્રણ દિવસીય
વ્યાખ્યાનમાળાનાં ત્રીજા દિવસે સંઘનાં વડા મોહન ભાગવતે પ્રશ્નોત્તર સત્ર દરમિયાન ભાજપ
અધ્યક્ષની પસંદગી મુદ્દે સંઘની ભૂમિકા વિશે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું
હતું કે, હું શાખા ચલાવવામાં માહેર છું અને ભાજપ સરકાર ચલાવવામાં માહેર છે. અમે એકબીજાને
ફક્ત સૂચન આપી શકીએ છીએ. તેમણે આગળ કહ્યું હતું કે, આ વિશે અમે કોઈ ફેંસલો કરતાં નથી
અને જો અમારે જ નિર્ણય કરવાનો હોય તો આમાં આટલો સમય ન લાગે. આ ઉપરાંત પત્રકાર પરિષદમાં
ભાજપની 7પ વર્ષની વયે નેતાઓને નિવૃત્ત કરવાની નીતિ મુદ્દે ભાગવતે કહ્યું હતું કે, અમે
સ્વયં સેવક છીએ અને સંઘ કહે એટલું કરીએ છીએ. 7પ વર્ષે હું નિવૃત્તિ નહીં લઉં અને કોઈને
નિવૃત્ત થવા માટે કહીશ પણ નહીં.
આ દરમિયાન
ભાજપ અને સંઘ વચ્ચે મતભેદનાં સવાલ ઉપર ભાગવતે કહ્યું હતું કે, મતભેદનાં કોઈ મુદ્દા
નથી હોતા. અમારે ત્યાં વિચારભેદ હોઈ શકે પણ મનભેદ બિલકુલ નથી. પરસ્પર વિશ્વાસ છે. સરકારમાં
સંઘ કંઈ નિર્ણયો કરે છે એ વાત જ સદંતર ખોટી છે કારણ કે અમારું લક્ષ્ય એ જ હોય છે જે
દેશની ભલાઈ હોય. સરકાર અને સંઘ વચ્ચે સમન્વયની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ફક્ત
વર્તમાન સરકાર જ નહીં બલ્કે દરેક સરકાર સાથે અમારે સારો જ સમન્વય છે અને કોઈ જ ઝઘડો
નથી.
ભાજપ
સીવાય અન્ય કોઈ રાજકીય પક્ષને સાથ નહીં આપવાનાં સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું
કે, સારા કામ માટે જે કોઈપણ અમારી સહાયતા માગે છે તેમને અમે મદદ કરીએ છીએ. અમે સહાયતા
કરવા જઈએ અને જે લોકો દૂર ભાગી જાય તેમને મદદ નથી મળતી.