• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

વન ડે ક્રમાંકમાં ઓસ્ટ્રેલિયાના 3 સદીબાજ બેટધરને ફાયદો

રોહિત-વિરાટ કયા નંબર પર ?

દુબઇ, તા.27: આઇસીસીએ આજે વન ડે ક્રિકેટના નવા ક્રમાંક જાહેર કર્યાં છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ સદીવીર બેટધરને ફાયદો થયો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા વન ડે મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 વિકેટે 431 રન ખડકયા હતા. જેમાં ટ્રેવિસ હેડ (142), કપ્તાન મિચેલ માર્શ (100) અને કેમરૂન ગ્રીન (અણનમ 118)એ વિસ્ફોટક સદી ફટકારી હતી. નવી ક્રમાંક સૂચિમાં ટ્રેવિસ હેડ એક સ્થાનના ફાયદાથી 11મા નંબરે પહોંચ્યો છે. માર્શ ચાર સ્થાન ઉપર આવી 44મા ક્રમે છે. જ્યારે ગ્રીને 40 સ્થાનનો કૂદકો લગાવ્યો છે. તે હવે 78મા ક્રમે છે. આફ્રિકા સામેના આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 276 રને વિજય થયો હતો.

ભારતનો શુભમન ગિલ ટોચના ક્રમે જળવાઇ રહ્યો છે. તેના ખાતામાં 784 રેટિંગ છે. દિગ્ગજ બેટધર રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ ગત સપ્તાહની સૂચિમાં અચાનક ગાયબ થયા હતા. આઇસીસીએ આ ભૂલ સુધારી છે. રોહિત અને વિરાટ નવી યાદીમાં બીજા અને ચોથા નંબર પર ફરી આવી ગયા છે. ભારતીય વન ડે કપ્તાન રોહિત શર્માના 7પ6 અને સ્ટાર બેટર વિરાટ કોહલીના 736 રેટિંગ પોઇન્ટ છે. પાક.નો બાબર આઝમ (739) ત્રીજા સ્થાને છે.

ભારતીય ટીમે તેનો આખરી વન ડે મેચ માર્ચ 202પમાં રમ્યો હતો. જે ચેમ્પિયન્સ ટ્રોફીનો ન્યુઝીલેન્ડ વિરુદ્ધનો ફાઇનલ મુકાબલો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક