• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

જામનગરના મોટી ખાવડીમાં વધુ ભંગાર ભરી, ઓછું વજન બતાવી એક કરોડનું નુકસાન

7 લાખના ભંગારની ચોરી અંગે 13 શખસ સામે પોલીસ ફરિયાદ

જામનગર, તા.14: અમદાવાદના મેસર્સ એસ.એમ.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર વિનોદ પટણી કે જેને જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એમ.જી.િસલિકોન એરિયામાંથી લોખંડ વગેરેનો ભંગાર ખરીદવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રકમાં ક્રેપ ભરી જઈ સુપરવાઈઝર તેમજ વેબ્રીજ ઓપરેટર વગેરે સાથે મીલીભગત કરીને ટ્રકમાં વધારે માલ ભરી ઓછું વજન બતાવી કંપનીએ અંદાજે 1,04,09,100 જેટલું નુકસાન પહોંચાડયું હોવાનું ધ્યાનમાં આવ્યં હતું.

આ ઉપરાંત એક ટ્રકમાં 20,930 કિલોગ્રામ વજનનો ભંગાર કે જેનું વજન ઓછું બતાવ્યું હતું, અને તે કુલ 6,93,839ની કિંમતનો વધારાનો ભંગાર કંપનીમાંથી લઈ જતાં પકડાઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ મામલો મેઘપર પડાણા પોલીસ મથક લઈ જવાયો હતો, અને કંપનીના સુપરવાઈઝર નબાકીશોર લેટરામચંદ્ર મિશ્રાએ મેસર્સ એસ.એમ. એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર વિનોદ પટણી ઉપરાંત વે બ્રિજ ઓપરેટર શક્તિસિંહ જાડેજા અને હિરેન સોનગરા, વેબ્રિજના ઓપરેટર સંજય દોરુ ઉપરાંત ખાનગી વેપારી પેઢીના સુપરવાઈઝર અનિલ ચુડાસમા, જીતેન્દ્ર વિરાણી, ટ્રકના ડ્રાઈવર મોહમ્મદ અહેમદ એમ પઠાણ, બ્રિજેન્દ્રસિંહ, ગિરીશ એ. વરિયાણી, મયુરકુમાર, રવિભાઈ સોલંકી, વિશાલસિંહ તેમજ સાલેન્દ્ર યાદવ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને મેઘપર પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ટી.જયસ્વાલ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક