• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સાવરકુંડલાના મઢડા ગામે ખેડૂત આધેડની હત્યા : ભેદ ઉકેલવા દોડધામ

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં બબ્બે હત્યાથી સનસનાટી

અમરેલી તા. 27: અમરેલી જિલ્લામાં એક દિવસમાં બે બે હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે અજાણ્યે શખ્સ દ્વારા ખેડૂત આધેડની હત્યા તથા બગસરા તાલુકાના શાપર ગામે ભાઈના હાથે સગી બહેનની કરપીણ હત્યા  કરવામાં આવી છે. પોલીસે બંને બનાવમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે રહેતા બાબુભાઇ જેઠુડભાઇ વાઘોશી નામના 47 વર્ષીય ખેડૂતના તે ગામે રહેતા કુટુંબી કાકા જીલુભાઇ ખોખાભાઇ વાઘોશી (..55) વાળાને ગત તા.26ના રોજ સવારે 6 વાગ્યા પહેલા કોઇપણ સમયે કોઇ અજાણી વ્યક્તિએ કોઇપણ કારણોસર કોઇ તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થ વડે માથાના ભાગે તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી હત્યા નિપજાવી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે  ગુનાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બગસરા તાલુકાના શાપર ગામે દીકરી ભગાડી જવા મુદ્દે ભાઈના હાથે સગી બહેનની કરપણ હત્યા કરવામાં આવી હતી.  ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવસમાં બે બે હત્યાના બનવાથી ભારે ચકચાર મચી જવા પામી છે.

મોરબીની વાવડી ચોકડી પાસે છરી ધારિયાથી હુમલો : પુત્રનું મૃત્યુ, પિતાને ઈજા

છોકરી બાબતે થયેલી હત્યામાં પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી

મોરબી, તા.7: મોરબીની વાવડી ચોકડી પાસે પિતા-પુત્ર ઉપર ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યુ હતું અને યુવાનના પિતાને પણ ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હત્યા અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીની વાવડી ચોકડી પાસે ઓવરબ્રિજ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો વચ્ચે છોકરી બાબતે માથાકૂટ થઈ હતી અને ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવતા બનાવમાં રમેશ ગાભાભાઈ દેવીપૂજક (રર) નામના યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. હુમલામાં યુવાનના પિતા ગાભાભાઈ જીવાભાઈ દેવીપૂજક (70)ને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હોસ્પિટલ મારફતે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે છોકરી બાબતે બે પક્ષ વચ્ચે મારામારી અને ઝઘડો થયો હતો જેમાં પિતા પુત્રને માર મારવામાં આવ્યો હોવાથી યુવાનનું મૃત્યુ નીપજ્યું છે અને તેના પિતાને ઈજા થઈ છે. હત્યાના બનાવ સંદર્ભે ભોગ બનનાર પરિવારની ફરિયાદ લેવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક