• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

કચ્છમાં 2526 કરોડના ખર્ચે નંખાશે 145 કિલોમીટરની નવી રેલ લાઇન

કચ્છના સરહદી રણ, હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવરના પ્રવાસનને વેગ મળશે

અમદાવાદ, તા.27 : કચ્છમાં 2526 કરોડના ખર્ચે 145 કિલોમીટરની નવી રેલ લાઇન બનાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશના રેલવે નેટવર્કમાં સુધારો કરવા અને માલસામાન તેમજ મુસાફરોની અવરજવરને સરળ બનાવવા માટે ગુજરાતના કચ્છ સહિત 4 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.

પ્રસ્તાવિત નવી લાઇન કચ્છ ક્ષેત્રના દૂરના વિસ્તારને કનેક્ટિવિટી પ્રદાન કરશે. તે ગુજરાતમાં હાલના રેલવે નેટવર્કમાં 2,526 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 145 રૂટ કિમી અને 164 ટ્રેક કિમી ઉમેરશે. પ્રોજેક્ટ પૂર્ણ થવાનો અંદાજિત સમયગાળો 3 વર્ષનો છે. લાઇન દૂરના સરહદી વિસ્તારોને જોડશે. ગુજરાત રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, નવી રેલ લાઇન મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિકર અને બેન્ટોનાઇટના પરિવહનમાં મદદ કરશે. પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્ત્વ છે  કે તે કચ્છના રણને કનેક્ટિવિટી પ્રદાન કરશે. લાઇન હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લો જેવા પ્રવાસી સ્થળોને જોડશે અને પ્રદેશમાં આર્થિક વિકાસ લાવશે. રેલ નેટવર્ક હેઠળ 13 નવા રેલવે સ્ટેશનો ઉમેરવામાં આવશે. જેનાથી 866 ગામો અને લગભગ 16 લાખ વસ્તીને સીધો લાભ થશે.

            અહીં નોંધવું ઘટે કે, ભારત સરકારના કેબિનેટે રૂ.12,328 કરોડના કુલ ખર્ચે રેલવેના 4 મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પ્રોજેક્ટ્સમાં કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામમાં રેલવે લાઇનોનું મલ્ટી-ટ્રાકિંગ અને ગુજરાતના કચ્છ પ્રદેશમાં નવી રેલ લાઇનનો સમાવેશ થાય છે. પહેલથી ભારતીય રેલવેના નેટવર્કમાં 565 રૂટ કિલોમીટરનો વધારો થશે,માલસામાનના પરિવહનમાં 68 એમટીપીએનો વધારો કરશે, જેના પરિણામે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે, કાર્બન ઉત્સર્જનમાં 360 કરોડ કિલોગ્રામ ઘટશે, જે 14 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે. ઉપરાંત, પ્રોજેક્ટ્સ નિર્માણ દરમિયાન 251 લાખ માનવ-દિવસની સીધી રોજગારીનું સર્જન કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક