• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

હાલોલમાં આભ ફાટતા 10 ઇંચ વરસાદ, હિંમતનગરમાં 17 ગાડી પાણીમાં ડૂબી ગઇ રાજ્યના 116 તાલુકામાં ઝાપટાથી પાંચ ઈંચ સુધી વરસાદ

 ભાવનગરના સિહોર, ઘોઘા, જેસરમાં પોણો ઈંચ મેઘ મહેર

ઉદયપુર-શામળાજી હાઇવે પર ભેખડો પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ

હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ, તા.30 : મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મેઘરાજાએ ખાસ કરીને મધ્યમ ગુજરાતને ટાર્ગેટ કર્યું હોય તેમ લાગતું હતું. આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ પડયો હતો. હિંમતનગરમાં સોસાયટીઓમાં પાણી ભરાતા 17 ગાડી પાણીમાં ડૂબી ગઇ હતી. ભાવનગર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડયો હતો. સિંહોરમાં પોણો ઈંચ, ઘોઘા અને જેસરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોન્સુન ટ્રફની સાથે 2 સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગે આવતીકાલે 31 ઓગસ્ટે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપ્યું છે. 

ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ચાલુ વરસાદે વીજપોલમાંથી તણખા ઝરવા લાગ્યા હતા. કુંણોલ પંથકમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. યાત્રાધામ શામળાજીમાં ભારે વરસાદને કારણે ઉદયપુર-શામળાજી હાઇવે પર ભેખડો પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે.

 આજે સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં પંમમહાલના હાલોલ ઉપરાંત આણંદના ઉમેરેઠમાં 4.72 ઇંચ, મહીસાગરના કડાણામાં 4.33 અને સંતરામપુરમાં 4.13, આમંદના બોરસદમાં 3.07, ભરૂચના નેત્રંગમાં 2.72, પંચમહાલના ઘોઘાંબામાં 2.4, ભરૂચના જઘડિયામાં 2.28, સાબરકાંઠના ખેડબ્રહ્મામાં અને પંચમહાલના જાંબુઘોડામાં 2.01 ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે 26 તાલુકામાં 1થી 2 ઇંચની વચ્ચે અને અન્ય તાલુકાઓમાં 1 ઇંચથી પણ ઓછો વરસાદ પડયો હતો.

સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર દૂર

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થતા 94 ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે. ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 23501.00 ક્યુસેક નોંધાઈ છે. ડેમની સપાટી વધતા, તંત્ર દ્વારા 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ ઉપરાંત આરબીપીએચ અને સીએચપીએચમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા તંત્રએ સૂચના આપી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરની સપાટી 211.46 ફૂટે પહોંચી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક