• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

અમેરિકાની આકરી જકાત સામે નિકાસકારો માગે છે પ્રોત્સાહન

કાપડ, રંગ, રસાયણ, સિરામિક, હીરા તથા અસંખ્ય લઘુ ઉદ્યોગકારોની રાહતની માગ

રાજકોટ, તા.30 (ફૂલછાબ ન્યૂઝ) : અમેરિકાએ વધારાની 25 ટકા જકાતનો અમલ 27 ઓગસ્ટથી કરતા ભારતીય માલ 50 ટકા મોંઘો થઇ ગયો છે. અમેરિકા ખાતે સૌથી વધારે નિકાસ ધરાવતા ભારતના અનેક ઉદ્યોગો મુશ્કેલીમાં મૂકાઇ જકા હવે સરકાર પાસે સબસિડીની કે રાહતની માગ કરી રહ્યા છે. ગુજરાતમાંથી કાપડ, રસાયણ, સિરામિક અને હીરા જગત દ્વારા માગણી ઉઠી છે. જોકે નાની મોટી ચીજો બનાવીને નિકાસ કરતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોએ પણ સરકારને દરમિયાનગીરી કરીને નુકસાન હળવું કરવા ભલામણ કરી છે.

લાખો નાના ઉદ્યોગો વતી ગ્રેટર રાજકોટ ચેમ્બરે ઇન્સેન્ટિવ-પ્રોત્સાહનો આપવા કે અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે ભલામણ કરી છે. નિકાસકારો અને ઉદ્યોગકારો કહે છે, ગુજરાત અમેરિકા પર મોટો આધાર રાખે છે. ઉંચા ટેરિફને લીધે ત્યાંથી આવતા ઓર્ડર ત્રીજાભાગના થઇ જવાનો ભય છે. કાપડની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 30 ટકા છે તો રંગ, રસાયણો, રત્નો, ઝવેરાત અને એન્જીનીયરીંગના માલનો હિસ્સો પણ ખાસ્સો મોટો છે.

અમેરિકામાં કાપડ અને હીરા-ઝવેરાતની નિકાસમાં સીધું જ પ્રોત્સાહન સરકારે આપવું જોઇએ. ટેરિફ સાથે ભારતીય માલ મોંઘો બન્યો છે એટલે ભારતને મુશ્કેલી પડી રહી છે અને બાંગ્લાદેશ, વિયેટનામ તથા તૂર્કી જેવા દેશો હવે નિકાસમાં આગળ નીકળી જાય છે. જ્યાં આવી જકાત લાગતી નથી તેમ ઇન્ડિયન ચેમ્બરના ગુજરાત ચેપ્ટરના પથિક પટવારી કહે છે.

ગુજરાત ચેમ્બર કહે છે, નિકાસ કરવા ઉપર પહેલેથી જ ટેક્સટાઇલમાં પાતળા માર્જિન છે. હવે એકાએક આપણે નિકાસ બજારમાંથી આઉટ થઇ ગયા છીએ. ભારતનો માલ આયાત કરનારા લોકો ઓછાં ટેરિફવાળા દેશમાં જશે.અત્યારે કદાચ નિકાસકારો સુધી અસર પડશે પણ સમય જતા ઉત્પાદન ક્ષેત્રે પણ માઠી અસર થશે. નોકરીઓ જશે. ટેક્સટાઇલની અસર કપાસ સુધી પહોંચશે. કપાસ ઉગાડતા ખેડૂતોને નુકસાન જશે. સરકારે વધુ પડતી ખરીદી કરવી પડશે પરિણામે સરકારી મૂડીનું પણ રોકાણ થઇ જશે. સરકારે તાજેતરમાં આયાતી કપાસને પણ જકાત મુક્ત કરી છે. 

સુરતમાં નાના હીરાના કારખાનાઓને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગ અમેરિકામાં 30 ટકા નિકાસ ધરાવે છે. ફેક્ટરીઓ અને નાના વર્કશોપ ઘણીવાર પાતળા માર્જિન પર કામ કરે છે, હવે તે ખોટમાં આવી જશે. અગાઉથી જ હીરા ઉદ્યોગ પર દબાણ છે જે વધ્યું છે. કારીગરોને છૂટા કરવાનું પ્રમાણ વધતું જાય છે.

રંગ-રસાયણોમાં પણ આવી જ સ્થિતિ રહેશે. એન્જિનિયરિંગ પ્રોડક્ટસ કે રાજકોટ સહિતના શહેરોમાંથી જાય છે ત્યાં પણ કામ ઘટતા રોજગારીના પ્રશ્નો થઇ શકે છે. તાજેતરમાં સિરામિક ઉદ્યોગે પણ સરકાર સમક્ષ સબસિડીની માગ કરી છે.

કોટન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્રને કહ્યું છેકે ટેક્સટાઇલ રોજગાર સુરક્ષા યોજના શરૂ કરવી જોઇએ. નિકાસ કામગીરી સાથે જોડાયેલી સોફ્ટ લોન, નિકાસ ક્રેડિટની ચૂકવણી પર 24 મહિનાનો મોરેટોરિયમ અને દબાણ ઓછું કરવા સરકારે સૂચના આપવી જોઇએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક