• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

રાજકોટમાં સામાકાંઠે દોઢ કરોડના 130 કિલો ચાંદીના દાગીનાની ચોરી : ખળભળાટ

કારમાં ધસી આવેલ તસ્કરોએ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો, આશરે દોઢેક કરોડના મુદ્દામાલની ચોરી

રાજકોટ, તા.4: રાજકોટ શહેરના સામાકાંઠે 130 કિલો ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે. ચંપકનગરમાં બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડી સામે મકાન ભાડે રાખી વેપારીએ તેમાં 50 ટકા ટચ કરેલા દાગીના તૈયાર કરી મુક્યા હતાં.

ગઈ રાતે કારમાં ઘસી આવેલા તસ્કરોએ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપી આશરે દોઢેક કરોડના મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ પણ દોડી ગયા હતા. હાલ પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરમાં સામાકાંઠે આવેલા ચંપકનગર-01માં આવેલ બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડી સામે આવેલા બીપીનભાઈનું મકાન ભાડે રાખી ચાંદીના મોટા વેપારી અને શક્તિ સિલ્વર નામની પેઢી ધરાવતા અતુલભાઈ લિંબાભાઈ બુસા છેલ્લા છએક માસથી ત્યાં તૈયાર દાગીના બનાવી વેપાર કરે છે. તેઓએ           અઠવાડિયા પહેલા 130 કિલો દાગીના જે 50 ટકા ચાંદીનું ટચ આપી બનાવેલા હતાં. તે ત્યાં મકાનમાં રાખ્યા હતાં. તે મકાનમાં ઉપરના માળે ભાડુઆત પણ રહે છે. ગઈ રાતે વેપારી અતુલભાઈ પોતાની પેઢીમાં સમાન રાખી મકાન બંધ કરી ઘરે ચાલ્યા ગયાં હતાં. ત્યારે મોડી રાતે ત્રાટકેલા તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી ઉપરના માળે રહેતાં ભાડુઆતના રૂમને બહારથી બંધ કરી દિધો હતો.

જે બાદ તસ્કરોએ નીચેના માળે રૂમમાં રહેલા 130 કિલો ચાંદીના દાગીનાના ચોરી નાસી છૂટયા હતા. વહેલી સવારે જ્યારે ભાડુઆત પોતાનો રૂમ ખોલવા જતા બહારથી બંધ હતો. જેથી પાડોશીને જાણ કરી રૂમ ખોલાવી નીચે આવી જોતા ચોરીની ઘટના સામે આવી હતી.

જે બાદ વેપારી અતુલભાઈને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. બનાવ અંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને જાણ કરતાં તેઓ અને અન્ય આગેવાનો દોડી આવ્યા હતા અને તુરંત ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતાં  ઈન્ચાર્જ સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડિસીપી હેતલ પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનીક પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ચોરીના બનાવમાં અંદાજીત દોઢેક કરોડનો મુદામલ ચોરી થયો હોવાનું સામે આવી રહ્યું છે અને જાણભેદું હોવાની શંકાએ પણ તપાસહાથ ધરી છે. તેમજ બી. ડિવિઝન પોલીસ મથકમાં વેપારીની ફરિયાદ નોંધવા પણ તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક