• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

રાહુલે મંત્રીને ગદ્દાર ગણાવ્યા, બિટ્ટુએ રાહુલને કહ્યું દેશનાં દુશ્મન

 

-સંસદનાં દરવાજે સામસામી બોલાચાલી ઃ ઘટનાનો વીડિયો વાયરલ

નવી દિલ્હી, તા.4ઃ એકબાજુ સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચે જોરદાર હંગામાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે બીજીબાજુ આજે ગૃહનાં દરવાજા ઉપર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ વચ્ચે પણ કટુ બોલાચાલી થઈ ગઈ હતી. આજે સંસદનાં બજેટ સત્રનાં છઠ્ઠા દિવસે સંસદનાં દરવાજા બહાર રાહુલ કોંગ્રેસનાં સાંસદો સાથે હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતાં હતાં ત્યારે જ કેન્દ્રીય મંત્રી  રવનીતસિંહ બિટ્ટુ ત્યાં આવી પહોંચ્યા હતાં. તેમને આવતા જોઈને રાહુલે તેમનાં ઉપર કડવી ટિપ્પણી કરતાં ગદ્દાર દોસ્ત ગણાવી નાખ્યા હતાં. જેની સામે પલટવાર કરતાં બિટ્ટુએ રાહુલને દેશનાં દુશ્મન કહી નાખ્યા હતાં.

સંસદ પરિસરમાં જવલ્લે જ જોવા મળે એવી આ સામસામી બોલાચાલીમાં રાહુલ અને કોંગ્રેસ સાંસદો પ્રદર્શન કરી રહ્યાં હતાં ત્યારે કેન્દ્રીય મંત્રી બિટ્ટુ ત્યાંથી પસાર થયા હતાં અને તેમને આવતાં જોઈને રાહુલે આકરો ટોણો મારતા કહ્યું હતું કે, જુઓ એક ગદ્દાર અહીંથી પસાર થઈ રહ્યાં છે. તેમનો ચહેરો જુઓ. ત્યારબાદ બિટ્ટુ રાહુલની નજીક પહોંચતાં રાહુલે તેમની સાથે હાથ મિલાવવા હથેળી આગળ લંબાવી અને બોલ્યા હતાં, નમસ્તે મારા ગદ્દાર દોસ્ત. તમે ચિંતા ન કરો, પરત કોંગ્રેસમાં આવી જ જશો.

રાહુલનાં આવા અજુગતા વ્યવહારને જોઈને બિટ્ટુએ હાથ મિલાવવાનો જ ઈનકાર કરી દીધો હતો અને તેમને દેશનાં દુશ્મન ગણાવી નાખ્યા હતાં. તેમણે કહ્યું કે, દેશનાં દુશ્મન સાથે તેમને કોઈ નાતો નથી. બન્ને વચ્ચે આ બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બની ગયો છે.

સંસદનાં દરવાજે આ રકઝક પછી બિટ્ટુ ફરિયાદ કરવાં સ્પીકર પાસે ધસી ગયા હતાં અને પછી મીડિયા સામે તેમણે આરોપ મુક્યો હતો કે, રાહુલની ફિટનેસ સારી હોય તો હું પણ મજબૂત છું. મારો હાથ પણ ભારે છે પણ અમે આવું કરતાં નથી. આ લોકો ગુંડાગીરી ઉપર આવી ગયા છે અને મારામારી કરવા માગતાં હતાં. સાંસદોએ સંસદીય ભાષા વાપરવાની હોય છે અને મર્યાદા લાંઘવાની હોતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક