વિશ્વના જવાબદાર દેશોની યાદીમાં ભારતનું
સ્થાન 16મું ઃ અમેરિકા 66 અને ચીન 68મા ક્રમે
નવીદિલ્હી,
તા.4 ઃ દુનિયામાં વધતા રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને હવામાન સંકટ વચ્ચે જવાબદાર
દેશોની એક યાદી 2026 જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ફાઉન્ડેશન
દ્વારા 19 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવી હતી. આ યાદીમાં સિંગાપુરને દુનિયાનો સૌથી
જવાબદાર દેશ જાહેર કરવામાં આવ્યો છે. શાસન, સમાજ અને પર્યાવરણનાં ક્ષેત્રોમાં ઉત્તમ
કામગીરી કરીને સિંગાપુરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ યાદીમાં
સ્વિટ્ઝર્લેન્ડ બીજા અને ડેનમાર્ક ત્રીજા ક્રમે રહ્યા છે. આ દેશોને ઈમાનદાર વહીવટ,
સામાજિક સુરક્ષા અને વૈશ્વિક જવાબદારી નિભાવવા બદલ આ સન્માન મળ્યું છે. આ રિપોર્ટ સામાન્ય
વૈશ્વિક રેન્કિંગથી અલગ છે, કારણ કે તેમાં માત્ર આર્થિક શક્તિ કે સૈન્ય બળને જ માપવામાં
નથી આવ્યું, પરંતુ એ પણ જોવામાં આવ્યું છે કે કોઈ દેશ પોતાના લોકો અને સમગ્ર વિશ્વ
પ્રત્યે કેટલો જવાબદાર છે.
આ સૂચકાંકમાં
દુનિયાના 154 દેશને ચાર મુખ્ય આધાર પર પરખવામાં આવ્યા હતા. જે ચાર પરિબળના આધારે આ
યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ઈમાનદાર અને પારદર્શક શાસન વ્યવસ્થા, સામાજિક કલ્યાણ,
પર્યાવરણની સુરક્ષા, વિશ્વ પ્રત્યે જવાબદારીને ધ્યાને લેવામાં આવ્યા હતાં.
રિપોર્ટમાં
જોવા મળે છે કે, મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં ઘણા વિકસિત દેશો પાછળ રહી ગયા છે. અમેરિકા
66મા અને ચીનને 68મા સ્થાન મળ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે માત્ર પૈસા કે શક્તિ હોવી
જ જવાબદારીનું પ્રમાણ નથી. પાકિસ્તાન આ યાદીમાં 90મા સ્થાને છે.
યુરોપના
ઘણા દેશો આ યાદીમાં ઉપર છે, જે દર્શાવે છે કે ત્યાં શાસન અને સામાજિક જવાબદારી પર ખાસ
ધ્યાન આપવામાં આવે છે. જ્યારે યુદ્ધ અને સંકટથી ઝઝૂમતા દેશોની સ્થિતિ નબળી રહી છે.
સીરિયા 153મા અને યેમન 151મા સ્થાને રહ્યા છે, જે યાદીમાં સૌથી નીચે છે. આ યાદીમાં
ભારતને 16મું સ્થાન મળ્યું છે અને તેનો સ્કોર 0.5515 રહ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતે
આરોગ્ય સેવાઓ, સામાજિક સમાનતા, પર્યાવરણ સંબંધિત યોજનાઓ અને લોકો કેન્દ્રિત નીતિઓમાં
સારો પ્રદર્શન કર્યું છે. જોકે, રિપોર્ટ એ પણ કહે છે કે લાંબા ગાળે વધુ સારું પ્રદર્શન
કરવા માટે ભારતને સંતુલિત વિકાસ અને સતત નીતિ પર ધ્યાન આપવું પડશે. કુલ મળીને, આ રિપોર્ટ
બતાવે છે કે જવાબદારી માત્ર શક્તિથી નહીં, પરંતુ યોગ્ય નીતિઓ અને લોકોનાં હિતમાં કરવામાં
આવેલા કાર્યથી ઊભી થાય છે.