પાણીવેરો
રૂ.1500ને બદલે રૂ.2400 તેમજ સફાઈવેરો રૂ.365ને બદલે રૂ.800 કરવા સૂચન
રૂ.
3595.70 કરોડનું ડ્રાફ્ટ અને રૂ.2916 કરોડનું રિવાઇઝ્ડ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત
કરતા તુષાર સુમેરા
રાજકોટ, તા.4 ઃ રાજકોટ મનપાનું વર્ષ 2026-27નું રૂ.3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2025-26નું રૂ.2916 કરોડનું રિવાઇઝ્ડ બજેટ આજરોજ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સુપ્રત કરવામાં આવ્યું હતું. કમિશનરે આગામી નાણાકીય વર્ષમાં પાણી અને સફાઈ વેરામાં તાતિંગ વધારા સાથે રૂ.95 કરોડનો કરબોજ સૂચવ્યો છે.
રહેણાક
મિલકતો માટે અગાઉ વાર્ષિક પાણીવેરો રૂ.1500 વસૂલાતો હતો જે રૂ.2400 વસૂલવા તેમજ સફાઈ
વેરો પ્રત્યેક દિવસના રૂ.1 લેખે વર્ષે રૂ.365 વસૂલવામાં આવતો હતો જેને રૂ.800 કરવા
તેમજ બિન રહેણાક મિલકતો માટે રૂ.3000 પાણીવેરો વસૂલાતો હતો તે રૂ.4800 કરવો તેમજ સફાઈ
વેરો રૂ.1460ના બદલે રૂ.3200 કરવાનું સૂચન કમિશનરે કર્યું હતું.
મ્યુનિ.કમિશનરે
મનપાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને બજેટમાં ફૂલગુલાબી એવા વિશેષ પ્રોજેક્ટ શામેલ
કર્યા નથી પરંતુ મૂડી આવક પેટે રૂ.1731.28 કરોડ અને મહેસૂલી આવક પેટે રૂ.1336.09 તેમજ
મૂડી ખર્ચ માટે રૂ.2124.59 કરોડ અને મહેસૂલી ખર્ચ માટે રૂ.1335.98 કરોડનો લક્ષ્યાંક
રાખવામાં આવ્યો છે. મૂડી આવકમાં 689 કરોડ સ્વર્ણીમ યોજના અંતર્ગત મળનારી ગ્રાન્ટ, અમૃત
યોજના-2 હેઠળ મળનારી રૂ.129.58 કરોડની ગ્રાન્ટ તેમજ જમીન વેચાણ થકી રૂ.585 કરોડ ઉભા
કરાવાનો તંત્રનો ટાર્ગેટ છે. મહેસૂલી આવક માટે કોર્પોરેશને ટેક્સ ઉપર આધાર રાખ્યો છે.
વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતનો રૂ.517 કરોડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત
એફએસઆઇ અને ટીપીની આવક પેટે રૂ.335 કરોડ અને જકાત ગ્રાન્ટ પેટે રૂ.159.91 કરોડનો ટાર્ગેટ
રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત એજ્યુકેશન શેસના રૂ.53.75 કરોડ અને વ્યવસાય વેરાનો રૂ.44
કરોડનો લક્ષ્યાંક રખાયો છે.
મૂડી
ખર્ચની વાત કરીએ તો પાણી પુરવઠા યોજના પાછળ રૂ.574.75 કરોડ, ટીપી ડેવલપમેન્ટ અને જમીન ખરીદી ખર્ચ પેટે રૂ.295.56
કરોડ અને રસ્તાનાં કામો પાછળ રૂ.254 કરોડ, જાહેર સામાજિક સુવિધા માટે રૂ.172 કરોડ,
બ્રિજ નિર્માણ માટે રૂ.143 કરોડના ખર્ચનો લક્ષ્યાંક રખાયો છે. મહેસૂલી ખર્ચમાં મહેકમ
ખર્ચ અધધ... 510.17 કરોડ સૂચવાયો છે જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાછળ રૂ.216.12
કરોડ, વોટરવર્કસનાં કામો પાછળ રૂ.211 કરોડનો ખર્ચ સૂચવાયો છે.
ઉલ્લેખનીય
છે કે, કમિશનરે પ્રજાજનો ઉપર સૂચવેલા કરબોજને મ્યુનિ.શાસકો ચૂંટણીનાં વર્ષને ધ્યાનમાં
લઈને મહદ્અંશે ઘટાડશે અથવા તો સંપૂર્ણ રીતે રદ કરશે. જો કે, હાલ તેઓએઁ બજેટના ‘અભ્યાસ’ અર્થે સમય માગ્યો છે.