આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 7: ગુજરાતમાં હાલમાં મેઘરાજા ફુલ ફોર્મમાં છે. દક્ષિણથી લઇને સૌરાષ્ટ્ર સુધી હાલમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. કેમ કે રાજ્યમાં એકસાથે ત્રણ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ‘વેલ માર્ક્ડ લો પ્રેશર’, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ અને ‘ટ્રફ’નો સમાવેશ થાય છે. આ ત્રિપુટી સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની મુખ્ય લાઈન પસાર થઈ રહી છે, જેને પગલે આગામી 24 કલાક રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે. હાલ ચોમાસાની મુખ્ય લાઇન સમગ્ર રાજ્યમાંથી પસાર થઈ રહી હોવાના કારણે આગામી 24 કલાક ખૂબ જ કટોકટીભર્યા બની રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે.
કેન્દ્રીય હવામાન વિભાગના ફ્લેશ ફ્લડ ગાઇડન્સ સેલ દ્વારા જારી કરાયેલ ચેતવણી અનુસાર, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર આગામી 24 કલાક માટે ‘ફ્લેશ ફ્લડ’ (અચાનક પૂર) નું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. બુધવાર, 8 જુલાઈની વહેલી સવારે 05:30 કલાક સુધી અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 23 જિલ્લામાં પૂર આવવાનું મધ્યમ જોખમ છે.
ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
દરમિયાનમાં આજે રાજ્યમાં નોંધપાત્ર કહી શકાય તેમાં 53 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. મેઘરાજાએ સવારથી જ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. જેમાં ચાર તાલુકાઓમાં 10 ઇંચ વરસાદ પડયો હતો. જેમાં સુરત જિલ્લાના કામરેજમાં 15.87, પલસાણામાં 14.06 સુરત શહેરમાં 12.24 વરસાદ પડયો હતો જ્યારે નવસારી શહેરમાં 10.31 ઇંચ વરસાદ પડયો હતો. તેમજ આઠ તાલુકાઓમાં પાંચથી સાત ઇંચ વરસાદ થયો હતો. જેમાં સુરતના મહુવામાં 7.83, નવસારીના જલાલપોરમાં 7.76, સુરતના બારડોલીમાં 7.52, સુરતના અંબિકામાં 6.81, તાપીના ડોલવણમાં 6.18, ડાંગના સુબીરમાં 5.51, તાપીના વલોદમાં 5.16, નવસારીના ગણદેવીમાં 5.08, ચીખલી અને વલસાડના કપરાડામાં 5-5 ઇંચ વરસાદ પડયો હતો જ્યારે 35 જિલ્લાઓમાં 1 ઇંચથી ચાર ઇંચ વરસાદ પડયો હતો.
આ પંથકમાં પૂરનું જોખમ
પૂરનું જોખમ વાળા વિસ્તારોમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજ્યનમા બોટાદ, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે.
બે દિવસ રાજ્યમાં રેડ, ઓરેન્જ, યલો એલર્ટ
ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં જમીન સંપૂર્ણપણે પાણીથી સંતૃપ્ત થઈ ગઈ હોવાથી નીચાણવાળા વિસ્તારો અને જમીનો પાણીમાં ગરકાવ થવાની ભીતિ છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે.