• બુધવાર, 08 જુલાઈ, 2026

બાબરામાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ : ગ્રામ્ય પંથકના રસ્તા કલાકો સુધી બંધ

રાજકોટ, તા. 7: સૌરાષ્ટ્રમાં સમગ્ર જૂન મહિનો રાહ જોવડાવ્યા બાદ જુલાઈ માસના પ્રારંભથી મેઘરાજા અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે. જોકે હજુ કેટલાક જિલ્લા વરસાદ માટે તરસી પણ રહ્યા છે. એવી સ્થિતિમાં આજે બાબરા તાલુકામાં એક કલાકમાં જ વધુ ચાર ઈંચ જળવર્ષા થઈ હતી. જેનાથી ગ્રામ્ય પંથકના રસ્તાઓ કલાકો સુધી બંધ રહ્યા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં ર4 કલાકમા 3.5 ઈંચ, ડોળાસામાં સતત સાતમા દિવસે વરસાદ-વધુ અઢી ઈંચ પાણી વરસ્યું હતું. અમરેલી જિલ્લા પંથકમાં રાત્રે 8 સુધીમાં ઝાપટાંથી લઈ એક ઈંચ વરસાદ નોંધાયો છે.

બાબરા :  બાબરા સહિત તાલુકામાં ગત રાત્રીના ભારે પવન અને આકાશી વીજળી સાથે સર્વત્ર નોંધપાત્ર વરસાદ પડયો છે રાત્રે 10 કલાકે શરૂ થયેલો વરસાદ પ્રથમ રાઉન્ડમાં 105 મીમી ચાર ઈચ ઉપરાંત વરસી જતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. તાલુકામાં સર્વત્ર વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં હરખની હેલી જામી છે.

ભાવનગર : ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન સરેરાશ 79.60 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ 156 મી.મી. વરસાદ ઘોઘા તાલુકામાં નોંધાયો છે. ભાવનગર તાલુકામાં 114 મી.મી., શિહોરમાં 113 મી.મી., ગારિયાધારમાં 86 મી.મી., ઉમરાળામાં 80 મી.મી., વલભીપુરમાં 57 મી.મી., મહુવામાં 55 મી.મી., પાલિતાણામાં 52 મી.મી., જેસરમાં 48 મી.મી. અને તળાજામાં 35 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર : આજે જામનગરમાં 4 મી.મી., જોડિયામાં ર3 મી.મી., ધ્રોળમાં 11 મી.મી., કાલાવડમાં 13 મી.મી., લાલપુરમાં ર0 મી.મી. અને જામજોધપુરમાં 3 મી.મી. વરસાદ થયો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટી બાણુંગારમાં રપ મી.મી., જામવણંથલીમાં 10 મી.મી., મોટી ભણસાલમાં 10 મી.મી., અલિયાબાડામાં 1ર મી.મી., હડિયાણામાં 30 મી.મી., બાલંભામાં 1પ મી.મી., જાળિયા દેવાણીમાં રર મી.મી., ભલસાર બેરાજામાં 10 મી.મી., નવાગામમાં 1પ મી.મી., મોટા પાંચદેવડામાં 48 મી.મી., જામવાડીમાં 1ર મી.મી., મોટા ખડબામાં 10 મી.મી. વરસાદ છેલ્લા ર4 કલાકમાં નોંધાયો છે.જામનગર શહેરમાં ગત રાત્રે વરસાદ શરૂ થયો હતો, પરંતુ માત્ર થોડી જ મિનિટમાં વિરામ લીધો હતો.

ખંભાળિયા : દેવભૂમી દ્વારકા જિલ્લામાં માત્ર બે તાલુકામાં હળવા ઝાપટાં વરસ્યા છે. જેમાં ખંભાળિયામાં 9 મી.મી. અને ભાણવડમાં પાંચ મી.મી. વરસાદ થયો છે.

ડોળાસા : કોડિનાર તાલુકા ના ડોળાસા વિસ્તારમાં આજે સાતમા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન 62 મી. મી.વરસાદ થયો છે. ડોળાસા અને આજુબાજુના ગામોમાં તા.1-7થી હેલી જામી છે. આજે મધ્ય રાત્રીના સાડા બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ થયો છે. મોસમનો કુલ વરસાદ 14.5 ઇંચ થયો છે.

ઉમરાળા : ઉમરાળામાં સોમવારે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સોમવારે સાંજના છથી મોડી રાતના બે વાગ્યા સુધી ગાજવીજ સાથે સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ : સોરઠને ધમરોળ્યા બાદ પંથકમાં મેઘરાજાએ પુન: પધરામણી કરતા કેશોદમાં દોઢ, વિસાવદર-માળિયા-જૂનાગઢ અને માણાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વતમાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા.

ગારિયાધાર : ગારિયાધાર શહેર અને પંથકમાં ગત રાત્રિના 12 કલાક બાદ સવારે  સુધીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે આજે દિવસ દરમીયાન હળવા ભારે વરસાદી ઝાપટાઓ શરૂ રહ્યા હતા જેમાં પણ એક ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સાથે સીઝનનો 250 મી.મી. 6:30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

તળાજા : તળાજાના ગોપનાથ પટ્ટીના ઉચડી વેજોદરી પીથલપુર ઝાંઝમેર મધુવન મેથળા ખંઢેરા આમળા રેલિયા ગઢુલા સહિતના ગામડાઓમા સતત વરસાદ છે. બપોરે સાંબેલાધારે વરસાદ વરસી ગયા બાદ રાત્રે પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે પણ એવી જ સ્થિતિ રહી હતી.

 


ઇ-પેપરના નવા શુલ્ક