• બુધવાર, 08 જુલાઈ, 2026

મેઘ મહેરથી સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક, નદીઓમાં પૂર

રાજકોટ, તા. 7: સૌરાષ્ટ્રમાં જ્યાં ભારે વરસાદ વરસ્યો છે ત્યાં જળાશયોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામની નદીઓ નવા નીરથી બે કાંઠે થઈ છે. બાબરામાં ચાર ઈંચ વરસાદને કારણે શહેર મધ્યમાંથી પસાર થતી કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યા હતા. આ સાથે સૌરાષ્ટ્રના સૌથી વિશાળ જળાશય પાલિતાણાના શેત્રુંજી ડેમમાં નવા નીરની ભારે આવકને પગલે જળસ્તર જાળવવા શરૂઆતમાં ર0 દરવાજા ખોલાછા હતા. જોકે અમરેલી અને ધારી પંથકમાં અતિભારે વરસાદને કારણે ડેમમા સતત પાણીની આવક થતા આજે સવારે તમામ 59 દરવાજા અઢી ફૂટથી ખોલાયા હતા. આજે સવારે ડેમમાં ર1800 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક નોંધાઈ હતી. આ સાથે પંથકમાં પીવાના પાણી તેમજ સિંચાઈની ચિંતા દૂર થઈ છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદના પગલે જિલ્લાના મોટાભાગના જળાશયો પાણીથી છલકાઈ ઉઠયા છે. જિલ્લાના 10માંથી 6 જળાશય સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે રૂલ લેવલ જાળવવા માટે હાલ 5 ડેમના દરવાજા તબક્કાવાર ખોલવામાં આવ્યા છે.

ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં તેના 2 દરવાજા 15 સેન્ટિમીટર સુધી ખોલવામાં આવ્યા છે. તેની ઓવરફ્લો થવાની સપાટી ર02.68 મીટર છે જ્યારે હાલ પાણીની સપાટી 202.50 મીટર છે. રાજુલા તાલુકામાં ધાતરવડી1 ડેમ 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે ખાખબાઈ નજીક આવેલા ધાતરવડી2 ડેમના 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલી નિયંત્રિત રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. ખાંભા તાલુકાના બારમણ ગામ નજીક આવેલ રાયડી ડેમ પણ ઓવરફ્લો થતાં તેનો 1 દરવાજો 1 ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે. ઉપરાંત સુરજવાડી ડેમ 0.30 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે.

બાબરા શહેર મધ્ય માંથી પસાર થતી કાળુભાર નદીમાં રાતે પૂર પ્રકોપ સર્જાતા નજીકના શિવાજી ચોક ધૂળિયા પ્લોટ તથા ચમારડીના ઝાપા સહિતના વિસ્તારોમાં ગોઠણબુડ પાણી ભરાયા હતા. તાલુકાના ચરખા ચમારડી નીલવડા ઘુઘરાળા કોટડાપીઠા દરેડ જામબરવાળા નાનીકુંડળ ખાખરીયા ધરાઈ મોટાદેવળિયા સહિતની નદી ઓ માં પુર આવ્યા હતા. જૂના તળાવ,રામપરા તળાવ કરીયાણા ડેમ સહિતમાં થોડા અંશે નવો જળ પ્રવાહ એકત્ર થયો છે

ભાવનગરમાં પડેલા વરસાદથી જળાશયો, નદીઓ અને ખેતરોમાં નવી આશાનો સંચાર થયો છે. ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખરીફ પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

ઉમરાળામાં સોમવારે ઉપરવાસમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ થવાથી નદી-નાળાં છલકાયાં હતાં. તાલુકાનો રંઘોળા ડેમ 100% ભરાઈ ગયો હોવાનું સિંચાઈ ખાતાએ જાહેર કર્યું હતું.

ગારીયાધાર શહેરમાં ત્રણ ઈંચ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસતા  મોટાભાગના ચેક ડેમો અને તળાવો છલકાઈ ગયા હતા.

રાજકોટ જિલ્લામા વરસાદને કારણે રાજકોટ તાલુકા પાસે આવેલું લાલપરી તળાવ 70 ટકા છલકાયું છે. ત્યારે નવાગામ તથા બેડી ગામ માટે ચેતવણી સંદેશ જાહેર કરાયો છે. ડેમની સપાટી 137.46 મીટર છે અને હાલનું જળસ્તર 136.6 મીટર છે. આવક 824 ક્યુસેક છે.

અમરેલીના ઠેબી સિંચાઈ યોજનાના 6 દરવાજા ખોલાયા

અમરેલી : અમરેલી પાસે ઠેબી નદી પર આવેલી ઠેબી સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઠેબી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાતા આજે તા. 7 ના રોજ સવારે 2:30 કલાકે યોજનાના 6 દરવાજા 0.9 મીટર સુધી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઠેબી ડેમમાંથી પાણી છોડવામાં આવતાં અમરેલી, પ્રતાપરા, ફતેપુર અને ચાંપાથળ ગામોને અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 


ઇ-પેપરના નવા શુલ્ક