• બુધવાર, 08 જુલાઈ, 2026

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત 40 મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું

ભાવનગર, તા.7 : ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3,700 થી પણ વધુ જર્જરિત મકાનો ઝળુંબતા મોત સમાન ઊભા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરમાં અતિશય જોખમી મકાનોને અગાઉથી જ નોટિસ આપી, તમામ કનેક્શનો કાપીને મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આખરે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને 40 જેટલા જર્જરિત મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત થઈ ગયેલા મકાનોનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેમાં ભાવનગર મનપા(કોર્પોરેશન) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વચ્ચે જવાબદારીની ખેંચતાણ તેમજ બંને વહીવટી તંત્રો વચ્ચે સંકલનનો અભાવ પણ વારંવાર સપાટી પર આવ્યો છે. જોકે, આ વખતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ચોમાસા પહેલાં જ શહેરના તમામ જર્જરિત મકાનોને ખાલી કરવા માટેની નોટિસ ફટકારી દેવામાં આવી હતી.

જો કે, હજુ કેટલાક રહીશો દ્વારા મકાન ખાલી નહીં કરાતા, તંત્ર દ્વારા આ અતિશય જર્જરિત મકાનોના નળ, ગટર અને વીજ જોડાણો કાપી નાખવાની ફરજ પડી હતી. આખરે મકાનો ખાલી થતાં જ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરના મારૂતિનગર તેમજ કૈલાશનગરમાં કુલ ત્રણ બ્લોકના 40 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી દેવાયા હતા. તંત્રના જણાવ્યાનુસાર આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.


ઇ-પેપરના નવા શુલ્ક