• શુક્રવાર, 29 માર્ચ, 2024

ગોંડલમાં રાજશાહી વખતના બે બ્રિજ મુદ્દે હાઇ કોર્ટમાં થઈ અરજી બન્ને બ્રિજના ફિઝિકલ રિપોર્ટ 22 દિવસમાં રજૂ કરવાનો કોર્ટનો પાલિકાનો આદેશ

ગોંડલ, અમદાવાદ, તા.6: (ફૂલછાબ ન્યુઝ) ગોંડલના 2 હેરિટેજની બિસમાર સ્થિતિ મુદ્દે થયેલી અરજી પર આજે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇ કોર્ટે રાજ્ય સરકાર, ગોંડલ પાલિકા અને માર્ગ-મકાન વિભાગને નોટિસ ફટકારી છે. એટલું જ નહીં કોર્ટે બ્રિજની હાલની પરિસ્થિતિને લઈ નિષ્ણાતોનો મત મગાવ્યો છે. મહત્ત્વનું છે કે, ભગવતસિંહજીના સમયમાં બંધાવાયેલા 100થી 125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઇ કોર્ટમાં અરજી થઈ છે. 

ગોંડલના ભગવતપરા સામાકાંઠાને જોડતા ગોંડલી નદી પરના રાજાશાહી સમયના અંદાજે સોથી સવાસો વર્ષ જૂના બન્ને પુલને સમારકામની તાતી જરૂરિયાત હોય પાલિકાને વારંવારની રજૂઆતો છતા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા દાખવી ના હોય એડવોકેટ અને સામાજિક આગેવાન યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇ કોર્ટમાં પીઆઇએલ કરાઈ હતી.

યતિષભાઈ દેસાઈએ જણાવ્યું કે, મોરબી પુલ હોનારતની ધટનાને ટાંકી નગર પાલીકાના નિંભર તંત્રને ઢંઢોળવા અનેક પ્રયાસો કરાયા હતા છતાં બન્ને પુલ અંગે તંત્ર દ્વારા આજ સુધી ઘોર બેદરકારી દાખવાઈ છે.

હાઇ કોર્ટ દ્વારા આજે તા.6ના પીઆઇએલની સુનાવણી હાથ ધરાતા યતિષભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા એવિડન્સ ધ્યાને લઈ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ટીમ દ્વારા બન્ને પુલની ફિઝિકલ ચકાસણી કરી તા.28-6 સુધીમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો છે. હાઇ કોર્ટે નગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા ટેકનિકલ રિપોર્ટની જાટકણી કાઢી અમાન્ય ગણાવ્યો છે. અરજદાર યતિષભાઈ દેસાઈ પક્ષે વકીલ રથીનભાઈ રાવલે દલીલો કરી હતી.

ગોંડલમાં આ બ્રિજ ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા છે. મોવિયા, આટકોટ, ધોધાવદર અને જસદણના લોકો આ બ્રિજનો સૌથી વધારે ઉપયોગ કરે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક