• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

આરેણા ગામેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસ પકડાયાં રૂ.20 હજારનું 2.07 ગ્રામ ડ્રગ્સ, મોબાઇલ, રોકડ અને કાર કબજે

માંગરોળ, તા. 8:  માંગરોળ નજીક આરેણા ગામ પાસેથી એક કારમાંથી રૂ. 20,700ની કિંમતના 2.07 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખસને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કાર, મોબાઈલ સહિત 5.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 મારૂતિ અરટીગા કારમાં બે યુવાનો પ્રતિબંધિત નાર્કોટિક્સ પદાર્થ લઈ મોડી રાત્રે માંગરોળથી ગડુ તરફ જવાના હોવાની બાતમીને આધારે એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલ, એએસઆઈ પુંજાભાઈ ભારાઈ સહિતના સ્ટાફે આરેણા નજીક એક હોટલ પાસે વોચ ગોઠવી હતી. રાત્રીના અઢી વાગ્યે માંગરોળ તરફથી આવી રહેલી કારને રોકાવી હતી. તેમાં સવાર બે યુવાનોની ઝડતી લીધી હતી. જેમાં માંગરોળના ગુલિસ્તાન સોસાયટીના સોહિલ આમદ કાલવાત પાસેથી મોબાઈલ, 14,500 રોકડા તથા સફેદ પાઉડર જેવો પદાર્થ ધરાવતી પારદર્શક કોથળી મળી આવી હતી જ્યારે ઇન્દિરાનગરના હનીફ ઉર્ફે રાણા મ.હુસેન ઘમેરીયા પાસેથી 2 મોબાઈલ, 6790 રોકડ તથા સફેદ રંગનો પાઉડર ભરેલી બે પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. એફએસએલ અધિકારીએ પરિક્ષણ બાદ પ્રાથમિક દૃષ્ટિએ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

પોલીસની પૂછપરછમાં સોહિલે જથ્થો હનીફ ઉર્ફે રાણા પાસેથી લીધેલ હોવાનું અને હનીફે તે ઈરફાન ઉર્ફે ગોપી ઈસ્માઈલ કાલવાત પાસેથી લાવેલ હોવાનું તથા જથ્થો કોને આપવાનો હતો તે અંગે પૂછતા બન્નેએ પોતાના નશા માટે લાવેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે 20,700ની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ, 3 મોબાઈલ, 21290 રોકડ તથા કાર કબજે લઈ બન્ને શખસ વિરુદ્ધ ગુનો નોંધી, ત્રીજા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક