• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

ગુજરાતને દર વર્ષે 7000 ડોક્ટર્સ મળશે વર્ષાંતે 43 મેડિકલ કોલેજ કાર્યરત થશે ગત વર્ષની ત્રણ મેડિકલ કોલેજની મંજૂરી આ વર્ષે મળશે, બજેટમાં નવી ચાર મેડિકલ કોલેજ માટે જોગવાઈ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.16: ગુજરાત સરકારે, તેનાં વર્ષ 2023-24ના બજેટમાં નવી ચાર મેડિકલ કોલેજો માટે નાણાકીય જોગવાઈ કરી છે. ગત વર્ષની ત્રણ મેડિકલ કોલેજની મંજૂરી પણ આ વર્ષે મળશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં કુલ 43 મેડિકલ કોલેજ કાર્યરત થઈ જશે. એક જમાનો હતો કે, જ્યારે ગુજરાતને એકાદ હજાર ડોક્ટર્સ મેળવવાના પણ ફાંફાં હતા પણ હવે, મેડિકલ કોલેજો અને બેઠકોમાં વધારો થયા બાદ એવી સ્થિતિ ઉભી થઈ છે કે, જેનાં કારણે, રાજ્યમાં દર વર્ષે 7000 જેટલા નવા ડોક્ટર્સ પ્રાપ્ત થતાં થઈ જશે, એમ આજે વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો પ્રત્યુત્તર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. 

આરોગ્યમંત્રીએ કહ્યું કે, અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ઝોન પ્રમાણે રાજ્યમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર-સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો પૂરી પડાશે. અહીં હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 

રાજ્યમાં 8844 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, 9231 પેટા આરોગ્ય કેન્દ્ર

રાજ્યમાં ઉપલબ્ધ 8844 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 354 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 365 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, 59 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 518 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ રાજ્યની ગ્રામ્ય સ્તરની આરોગ્ય વ્યવસ્થાઓને શ્રેષ્ઠત્તમ અને અસરકારક બનાવી હોવાનું આરોગ્યમંત્રીએ ઉમેર્યું હતું.

25.97 લાખ ટેલી કન્સલ્ટેશન, 9.87 લાખ નાગરિકે ઇ-સંજીવની ઓપીડીનો લીધો લાભ

રાજ્યમાં ટેલીમેડિસીન અને ઇ-સંજીવની સેવા ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 25.97 લાખ ટેલિ-કન્સલ્ટેશન અને 9.87 લાખ જેટલા નાગરિકોએ ઇ-સંજીવની ઓપીડીનો લાભ મેળવ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત આજે રાજ્યના 1.73 કરોડ લાભાર્થીઓએ આરોગ્ય સુરક્ષા વીમા કવચ ધારણ કર્યું છે. આ વર્ષે આ યોજના અંતર્ગત મળતી વીમાની રકમ રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવાનો નિર્ણય ગંભીર અને જટીલ રોગોની સારવાર, સેવામાં કારગત સાબિત થશે. ગુજરાતમાં માતા મૃત્યુદર 57 અને બાળ મૃત્યુદર 23એ પહોંચ્યો છે.