• શનિવાર, 13 જુલાઈ, 2024

ભારત-પાક. સીમા ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થપાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે 10માં વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઈ

અમદાવાદ, તા.21 : ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કરાયો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતુ. આ અવસરે અધિકારી ગણ, કર્મચારી ગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે.  આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક