• શનિવાર, 13 જુલાઈ, 2024

સુરતમાં હિન્દુ નામ ધારણ કરીને રહેતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો

ત્રણ વર્ષથી રહેતા શખસ પાસેથી બાંગ્લાદેશી અને ભારતીય દસ્તાવેજો જપ્ત: સઘન પૂછપરછ

સુરત, તા. 22 : સુરતમાં ચાર વર્ષથી હિન્દુ નામ ધારણ કરીને ગેરકાયદે રીતે બોગસ પુરાવા સાથે રહેતા બાંગ્લાદેશી મુસ્લિમ યુવકને પોલીસે બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે બોગસ ડોક્યુમેન્ટ સાથે ઝડપી લીધો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અનુમાસિંગ ગેહલોતની સુચનાથી બાંગ્લાદેશીઓને શોધી કાઢી કડક કાર્યવાહી હાથ ધરવા એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ગઈકાલે પોલીસે ઉન-ભેસ્તાન રહેમતનગર, ચંડાલ ચોકડી પાસેના મકાન નં. 180 ના ગ્રાઉન્ડ ફલોર પર દરોડા પાડ્યા હતા. મિનાર હેમાયેત સરદાર (ઉ.24,  મૂળ રહે. પદ્મબિલા ગામ, બળતાલી, ગોપાલગંજ બાંગ્લાદેશ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બાંગ્લાદેશી જન્મ દાખલો, બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર, બાંગ્લાદેશનું સ્કુલ એલસી, બાંગ્લાદેશી નેશનલ આઈડી કાર્ડ, તેમજ ખોટું નામ શુવો સુનીલ દાસના નામના દસ્તાવેજ મળી આવ્યા હતા. આ દસ્તાવેજમાં વેસ્ટ બંગાળનું સ્કુલ એલસી, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ સ્ટેટ ઓફ ક્વોટર રેસીડેન્સનું અસલ કાર્ડ, ભારતીય અસલ પાર્સપોર્ટ,મકાનનો ભાડા કરાર વિગેરે પણ મળી આવ્યા હતા. 

પોલીસે આરોપીની પુછપરછ કરતા માહિતી મળી હતી કે, તે બાગ્લાદેશી વતની હોય અને તે 2020માં દલાલ મારફત બાગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદે રીતે બોનગાઉ ખાતેથી પ્રવેશ કરી સુરત આવ્યો હતો. નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરી તે નામનું સ્કુલ એલ.સી. બનાવી તે આધારે પોતાના ખોટા નામનું આધાર કાર્ડ તથા પાન કાર્ડ બનાવી ઓનલાઈન પાસપોર્ટ મેળવવા અરજી કરી હતી. ભારતીય પાસપોર્ટ મેળવી આરોપીએ વર્ષ  2021 થી 2023 સુધી કતારના દોહામાં સેન્ટરીંગનું મજૂરી કામ કર્યું હતું. આ પછી તે સુરત આવીને પણ મજૂરી કામ કરતો હતો. આ ઘટનામાં સુરત પોલીસે એક શખસને વોન્ટેડ જાહેર કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક