• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

ગોંડલ યાર્ડના વેપારી સાથે કમિશન એજન્ટની રૂ.18 લાખની ઠગાઈ વેપારીએ એડવાન્સ આપી 600 મણ તલ મગાવ્યા પણ એજન્ટે માલ ન આપ્યો

ગોંડલ, તા.9: ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા વેપારીએ કમિશન એજન્ટ નામે 600 મણ કાળા તલનો સોદો કરી એડવાન્સ 18 લાખ ચુકવી આપ્યા બાદ એજન્ટે આજ દિવસ સુધી તલ નહીં મોકલી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ ઉપર જયેશનગરમાં રહેતા વેપારી સાગરભાઈ ભીમજીભાઈ વૈષ્ણવ (ઉ.વ.34)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુળ મધ્યપ્રદેશના અને હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા યશવંતભાઈ રઘુવીરભાઈ પટેલનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેના ભાઈ રાજેશ ગોરધનભાઈ વૈષ્ણવે છ વર્ષ પહેલા ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી હતી. તલ, ધાણા, એરંડાનો વેપાર શરૂ કર્યો હતો. જ્યારે આરોપી યશવંત પટેલ છેલ્લા બે વર્ષથી ગોંડલમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હોય તેની સાથે ઓળખાણ થઈ હતી.

આ દરમિયાન ફરિયાદી અને તેના પિતરાઇ ભાઈએ કાળા તલ લેવાનું નક્કી કર્યા બાદ કમિશન એજન્ટ યશવંત પટેલને વાત કરતા 600 મણ તલ લેવાનું નક્કી થયું હતું અને મણના 3000 ભાવ નક્કી થયા હતા. જે પેટે એડવાન્સમાં 10 લાખ ખાતામાં જમા કરાવ્યા હતા અને બાકીના 8 લાખ આંગડિયા પેઢી મારફતે મોકલ્યા હતા. કાળા તલનો સોદો થઈ ગયો છે અને બે દિવસમાં તમને માલ મળી જશે તેમ કહી 15 દિવસ સુધી તલનો જથ્થો નહીં મોકલી આરોપી મોબાઈલ સ્વીચ ઓફ કરી દઈ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ અંગે પોલીસમાં અરજી કર્યા બાદ પોલીસે વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક