• શનિવાર, 13 જુલાઈ, 2024

માળિયા-હળવદ રોડ પરથી રૂ.1.80 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

રૂ.12.85 લાખનો મુદ્દામાલ કબજે : એકની ધરપકડ : માટીની આડમાં લવાયો હતો જથ્થો

મોરબી, તા.10: માળિયા હળવદ રોડ પર ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં ટ્રકમાં લવાયેલો રૂ.1.30 લાખનો વિદેશી દારૂ અને રૂા.50,000ની કિંમતના બિયરના ટીન સાથે એક શખસને એલસીબીએ પકડી પાડયો હતો.

માળિયા-હળવદ રોડ ઉપર આવેલી ક્રિષ્ના હોટલની પાસે ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ટ્રકમાં માટીની આડમાં દારૂનો જથ્થો લઈ આવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં ટ્રક ટ્રેઇલર મળી આવ્યું હતું. જેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીની ટીમે આરોપી મેહુલભાઈ ઉર્ફે મેરો કાળુભાઈ કંઝારિયા (રહે.મોરબી દરવાજા પાસે હળવદ)ની ધરપકડ કરી હતી. સ્થળ ઉપરથી દારૂની 324 બોટલ (કિંમત 1,30,200) તેમજ બિયરના 504 ટીન (કિંમત 50,400) અને ટ્રક, કાર સહિતનાં વાહનો મળીને કુલ 12,85,600નો મુદ્દામાલ કબજે કર્યો છે અને પકડાયેલ આરોપી ઉપરાંત ટ્રક ટ્રેઇલરનો ચાલક, કાર ચાલક પંકજભાઈ ગોઠી (રહે.કણબીપરા, હળવદ) સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક