• શનિવાર, 13 જુલાઈ, 2024

જસદણના વેપારી પાસે ચણાનો જથ્થો મગાવી રૂ.9 લાખની ઠગાઈ

જસદણ, તા.10: જસદણમાં ખોડીયારનગરમાં રહેતા નરેશભાઈ અનાજ કઠોળની જણસી ખેડૂતો અને યાર્ડમાંથી ખરીદ કરીને વેચાણ કરે છે. ઓફિસનો વહીવટ રવિ ભરતભાઈ છાયાણી સંભાળે છે. ત્રણ માસ પૂર્વે તા.રપ-3ના રોજ રવિ છાયાણી ઓફિસે હતો ત્યારે મોબાઈલ પર તિરૂપતી બ્રોકર નામે જયેશ નામના શખસનો ફોન આવ્યો હતો અને ચણાની ખરીદીની વાત કરી હતી. જયેશ જણસીની દલાલીનું કામ કરતો હોય અને 100 કિલોએ 10 રૂપિયા દલાલી થશે તેમ કહી સોદો નક્કી કર્યો હતો. સિદ્ધપુર ખાતે માણતી એગ્રો ઈન્ડ. પર 10,000 કિલો ચણા મોકલવાનો ઓર્ડર આપ્યો અને પેમેન્ટ માલ ઉતાર્યો ત્યાં ચુકવાઈ જશેનું નક્કી થયું હતું. જસદણથી ટ્રકમાં માલ રવાના થયો હતો. ત્યાં ડ્રાઈવરને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા અને બીજુ પેમેન્ટ આપ્યું ન હતું. આવી જ રીતે બીજો એક ટ્રક કરજણ નીલકંઠ એન્ટરપ્રાઈઝ નામે મોકલાવ્યો હતો. જેનું પેમેન્ટ રૂ.6,69,780 થતું હતું અને બીજા દિવસે આપવાનું નક્કી થયું હતું. બન્ને સ્થળે માલ ઉતરાવી લીધા બાદ આરોપીએ મોબાઈલ રીસીવ કરવાનું બંધ કરી દીધુ હતું. એક વખત તા.29-5ના રોજ 10 હજાર રૂપિયા મોકલાવ્યા હતા. બન્ને પાર્ટી તથા દલાલ જયેશનો બાકી નીકળતા રૂ.9.71 લાખ માટે અવારનવાર સંપર્ક કરાયો હતો. બન્ને પાર્ટીને લીગલ નોટીસ અપાઈ હતી છતાં નાણા મળ્યા ન હતા.  આમ દલાલના રોલમાં મહેસાણાના જયેશે બે સ્થળે ચણાના બે ટ્રક મંગાવી રૂ.9.71 લાખની રકમ નહીં ચુકવી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાની જસદણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક