• શનિવાર, 13 જુલાઈ, 2024

ગોંડલ પાસેથી 55 હજાર બોટલ દારૂ ભરેલા ટ્રક સાથે ચાલક ઝડપાયો

મહારાષ્ટ્રથી જૂનાગઢ લઈ જવાતો’તો: બે સપ્લાયર સહિતનાની શોધખોળ: 70.40 લાખનો મુદ્દામાલ કબજે

ગોંડલ, તા.ર0 : ગોંડલ હાઇ વે પરનાં ભોજપરા ગામ પાસેના સર્વિસ રોડ પર શંકાસ્પદ ટ્રક ઉભો હોવાની બાતમીના આધારે પેટ્રોલિંગમાં રહેલા તાલુકા પોલીસ મથકના પોસઇ જે. એમ. ઝાલા તથા સ્ટાફે દરોડો પાડયો હતો અને ટ્રકચાલક રાજસ્થાનના અશોકકુમાર ધર્મારામ માંજુને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી કાપડની ગાંસડી નીચે દારૂનો જંગી જથ્થો છુપાવેલ મળી આવ્યો હતો. પોલીસે કાપડના જથ્થા નીચેથી રૂ.પપ.34 લાખની કિંમતની પપ હજાર બોટલ દારૂનો જથ્થો તેમજ ટ્રક અને મોબાઇલ સહિત રૂ.70.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ ટ્રકચાલક અશોકકુમાર માંજુની આકરી પૂછતાછ કરતા સાંચોરના અશોક પુનમારામ બિશ્નોઈ અને ધેવરચંદ ભગીરથરામ બિશ્નોઈએ આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના મનોર ગામેથી ભરી આપી જૂનાગઢ પહોંચાડવા મોકલ્યો હતો. પોલીસે બન્ને સપ્લાયર અને જૂનાગઢના બુટલેગર સહિતના સામે ગુનો નોંધી મોબાઇલ નંબરના આધારે શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક