• શનિવાર, 13 જુલાઈ, 2024

શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટી આરોપી નંબર-38

ઇડીની ચાર્જશીટમાં નવા ખુલાસા :  કોર્ટે કેજરીવાલ સહિતના આરોપી માટે પ્રોડક્શન વોરન્ટ જારી કર્યું

ચરણપ્રીત, વિનોદ અને કેજરીવાલ વચ્ચે કનેક્શનના પુરાવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ

નવી દિલ્હી, તા. 10 : કથિત શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ઇડીની ચાર્જશીટ ઉપર કોર્ટે સંજ્ઞાન લીધું છે અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા આરોપીઓને 12 જુલાઈના રોજ કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. ઇડીએ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આરોપ મૂક્યા છે અને પક્ષને આરોપી નંબર-38 બનાવવામાં આવ્યો છે. ઇડીએ ચાર્જશીટમાં હવાલા ટ્રાન્સફરની ગતિવિધિમાં ચરણપ્રીત, વિનોદ અને કેજરીવાલ વચ્ચેનાં કનેક્શનના પુરાવા પણ રજૂ કર્યા છે.

રિપોર્ટ અનુસાર ચાર્જશીટમાં ઇડીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટીને શરાબ કૌભાંડથી મળેલી 100 કરોડ રૂપિયાની લાંચમાંથી 45 કરોડ રૂપિયા પ્રત્યક્ષ રીતે આમ આદમી પાર્ટીને મળ્યા છે અને હવાલા ચેનલ મારફતે આ રકમને ગોવા વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવા મોકલવામાં આવ્યા હતા. ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે મની લોન્ડરિંગ અપરાધમાં આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ભૂમિકા પૂરી રીતે સ્પષ્ટ છે. રાઉઝ એવન્યુ સ્થિત ટ્રાયલ કોર્ટે ઇડીની ચાર્જશીટનું સંજ્ઞાન લીધું છે. જેને ગયા મહિને દાખલ કરવામાં આવી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલ સહિત અન્ય આરોપીઓ માટે પ્રોડક્શન વોરન્ટ જારી કરતા 12 જુલાઈના અદાલતમાં હાજર રહેવા કહ્યું છે. ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવી છે. આ દરમિયાન કેજરીવાલે અદાલત સમક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ થવાની અનુમતી માગી હતી. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

ઈડીએ હવાલા મારફતે પૈસા ટ્રાન્સફર થવામાં ચરણપ્રીતને આરોપી બતાવ્યો છે જ્યારે કેજરીવાલ અને અપરાધની આવકને હેન્ડલ કરનારા વિનોદ ચૌહાણ વચ્ચે થયેલા ડાયરેક્ટ મેસેજને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ઈડીએ ચાર્જશીટમાં કહ્યું છે કે, આપને અપરાધથી મળેલી આવકમાં 45 કરોડ મળ્યા છે અને તેને હવાલા મારફતે ગોવા વિધાનસભા ચૂંટણીમાં ખર્ચ માટે મોકલવામાં આવ્યા હતા. આ રીતે આપ, જેના પ્રમુખ કેજરીવાલ છે તે 45 કરોડની અપરાધની આવક મેળવવા, ઉપયોગ કરવા અને છુપાવવા જેવી ગતિવિધિમાં સામેલ છે. પહેલી વખત કોઈ રાજનીતિક દળને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક